અયોધ્યામાં પહેલા ફરકતો રામ રાજ્યનો ધ્વજ આજે ફરી એકવાર ગૌરવભેર ફરકાયોઃ મોહન ભાગવત
અયોધ્યાઃ અભિજીત મુહૂર્તના શુભ સમયમાં અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરના શિખર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધર્મ ધ્વજનું આરોહણ કર્યું હતું. આ પાવન ક્ષણે સમગ્ર પરિસર ‘જય શ્રીરામ’ના ગજવારા સાથે ગૂંજી ઉઠ્યો હતો. સમારોહ દરમિયાન આરએસએસના સર સંઘચાલક મોહન ભાગવતે જણાવ્યું કે, આજનો દિવસ દરેક માટે ગૌરવ અને સાર્થકતાનો છે. “આ ક્ષણ માટે અનેક લોકોએ પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું છે. આ આત્માઓ આજે અવશ્ય તૃપ્ત થઈ હશે. અયોધ્યામાં કદી ફરકતો રામ રાજ્યનો ધ્વજ આજે ફરી એકવાર ગૌરવભેર ફરકાયો છે,” એમ તેમણે જણાવ્યું.
તેમણે વધુમાં જણાવ્યું કે આ ભગવા ધ્વજ પર દર્શાવાયેલ કોવિદાર વૃક્ષ રઘુકુલની પરંપરા અને શક્તિનું પ્રતીક છે. “આ વૃક્ષ જેમ સૌને છાંયો આપે છે, પોતે તડકામાં ઉભું રહીને પણ ફળ અન્યને આપે છે, તેવી જ સેવા ભાવનાનું પ્રતીક આ ધ્વજ છે.” મંદિરના શિખર પર ફરકતા એક ચક્રવાળા પ્રતીક વિશે ભાગવતે જણાવ્યું કે તે અડગ સંકલ્પ અને તેજસ્વી ભવિષ્યનું નિર્દેશક છે. તેમની ભાષામાં, “જે સ્વપ્ન લાખો ભક્તોએ જોયું હતું, તેનાથી પણ ભવ્ય મંદિર આજે અયોધ્યામાં સજીવ થઈ ઊભું છે.”
કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના ભાષણમાં વિશેષ ઉર્જા જોવા મળી હતી. તેમણે જણાવ્યું કે, “મંદિરના શિખર પર ફરકતો આ કેસરિયા ધ્વજ નવા ભારતના ગૌરવ, આત્મવિશ્વાસ અને સંસ્કૃતિનું પ્રતીક છે. 500 વર્ષમાં સમય બદલાયો, નેતૃત્વ બદલાયું પણ ભક્તોની આસ્થા કદી ન ઝૂકી, ન અટકી.” યોગીએ જણાવ્યું કે જ્યારે આંદોલનની જવાબદારી આરએસએસ અને સંઘના કાર્યકરોના હાથમાં આવી, ત્યારે એક જ અવાજ ગૂંજતો હતો કે, ‘રામલલા અમે આવશું, મંદિર ત્યાં જ બનાવશું.’


