
ગાંધીનગરઃ રાજ્યના બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટ્ટીબદ્ધ છે. આ માટે બિનઅનામત આયોગ કાર્યરત કરીને વિવિધ યોજનાકીય લાભો રાજય સરકાર દ્વારા પૂરા પાડવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં આયોગને રૂપિયા 125 લાખની રકમ ફાળવાઈ છે. તેમ સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી પ્રદીપ પરમારે વિધાનસભામાં જણાવ્યું હતું
ગુજરાત વિધાનસભા ગૃહમાં બિનઅનામત આયોગને ફાળવાયેલ રકમના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી પ્રદીપ પરમારે વધુમાં જણાવ્યું હતું કે, બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સુવિધાઓ, તાલીમ પૂરી પાડવા માટે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માર્ગદર્શન હેઠળ બિનઅનામત આયોગની રચના કરીને જે સહાયની જાહેરાત કરી છે જેને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન અમે આગળ વધારીને વિદ્યાર્થીઓને સહાયરૂપ થવાનો નિરંતર પ્રયાસ કરવાના છીએ.
તેમણે કહ્યું કે, આ યોજનાના લાભો લાભાર્થીઓને મળી રહે એ માટે તમામ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવે છે. રાજ્યમાં ચાલતા મેડિકલ-ડેન્ટલના સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો, વ્યવસાયિક અભ્યાસક્રમો, ઇજનેરી, ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચર, આયુર્વેદિક, હોમિયોપેથી, ફિઝીયોથેરાપી, વેટરનીટી અભ્યાસક્રમો માટે અભ્યાસક્રમની કુલ ટ્યુશન ફી અથવા રૂપિયા 10 લાખ તે બે પૈકી જે ઓછું હોય તે પ્રમાણેની લોન 4 ટકાના સાદા વ્યાજે નિગમ દ્વારા આપવામાં આવે છે. ઉપરાંત વિદેશ અભ્યાસ માટે રૂપિયા 15 લાખની વિદેશ અભ્યાસ લોન આપવામાં આવે છે. આ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે ગુજકેટ, નીટ સહિતની પરીક્ષાઓ માટે પણ તાલીમ પૂરી પાડવામાં આવી રહી છે.