
ગુજરાતમાં તાપમાનનો પારો 35 ડિગ્રીએ પહોંચ્યો, બે દિવસમાં 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા
અમદાવાદઃ ગુજરાતમાં ફાગણ મહિનાના આગમન સાથે જ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. અને આગામી બે-ત્રણ દિવસમાં તાપમાનનો પારો 37 ડિગ્રીને વટાવી જવાની શક્યતા છે. આ વખતે ઉનાળો વધુ આંકરો બનશે એવા પ્રારંભથી સંકેતો મળી રહ્યા છે. હાલ પશ્વિમ અને ઉત્તર પશ્વિમ તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના લીધે ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે.
ગુજરાતમાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 35 ડિગ્રીએ ઉનાળાનો અહેસાસ થવાની શરૂઆત થઈ ચૂકી છે. થોડા દિવસો પહેલા ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા લીધે ગુજરાતમાં લોકોએ બેવડી ઋતુનો અનુભવ કર્યો હતો, પરંતુ ફાગણ મહિનાના પ્રારંભ સાથે જ ગરમીમાં વધારો થઈ રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીથી નીચે જવાની શક્યતા નહિવત્ છે. આગામી બે-ત્રણ દિવસમાં તાપમાનમાં 2-3 ડિગ્રી જેટલો વધારો થવાની શક્યતા છે. અને આગામી દિવસોમાં લોકોએ કાળઝાળ ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ એકદમ સૂકું રહેશે અને 3 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં પણ બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે. હાલમાં પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશા તરફથી પવનો ફુંકાઈ રહ્યા છે, જેના કારણે ગરમીનું પ્રમાણ વધે એવી શક્યતા છે. તદુપરાંત પવનની ગતિ પણ 20થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે. હાલ રાજ્યના મોટા ભાગનાં શહેરોનું મહત્તમ તાપમાન 34થી 35 ડિગ્રી નોંધાયું છે. આગામી ત્રણ દિવસ બાદ મહત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી વધીને 37થી 38 ડિગ્રીએ પહોંચશે ત્યારે ગરમી વધશે, એટલે કે આ વર્ષે એપ્રિલ મહિનાની શરૂઆતથી જ કાળઝાળ ગરમીનો સામનો કરવા પડશે.
ગુજરાતના મોટા ભાગનાં શહેરોમાં છેલ્લા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 20 ડિગ્રી અને મહત્તમ તાપમાન 34 ડિગ્રી આસપાસ નોંધાયું છે, અમદાવાદમાં મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે લઘુતમ તાપમાન 21.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજ્યભરમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ નલિયા ખાતે નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન અમરેલી અને વલસાડ ખાતે 35.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તદુપરાંત ગુજરાતનાં મુખ્ય શહેરોમાં સુરતનું મહત્તમ તાપમાન 34.2, વડોદરાનું મહત્તમ તાપમાન 34.4 અને રાજકોટનું મહત્તમ તાપમાન 35.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.