ફાર્મા કંપનીઓને લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે દવાઓ વિકસાવા કેન્દ્રીય મંત્રીની અપીલ
નવી દિલ્હીઃ નેશનલ ડ્રગ પ્રાઈસિંગ ઓથોરિટીના રજત જ્યંતી સમારોહમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવીયાએ સંશોધનમાં નવીનતા લાવવા અને માત્ર વ્યાપારી હેતુઓ માટે જ નહીં પરંતુ લોકોના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે દવા વિકસાવવા અપીલ કરી હતી. દરમિયાન ઈન્ટીગ્રેટેડ ફાર્માસ્યુટિકલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ 2.0 અને ફાર્મા સાહી દામ 2.0 એપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું કે, NPPA એ માત્ર એક નિયમનકાર કરતાં વધુ સુવિધાજનક તરીકે કામ કર્યું છે. તેમણે છેલ્લા 25 વર્ષમાં સસ્તી દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં NPPA દ્વારા આપવામાં આવેલા નોંધપાત્ર યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. કેન્દ્રીય મંત્રીએ સતત ગુણવત્તાયુક્ત ઉત્પાદનોનું ઉત્પાદન કરવા બદલ ભારતીય ઉદ્યોગોની પ્રશંસા કરી હતી. તેમણે ઉદ્યોગોને સંશોધનમાં નવીનતા લાવવા અને માત્ર વ્યાપારી હેતુઓ માટે જ નહીં પરંતુ લોકોના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે દવા વિકસાવવા અપીલ કરી હતી.
ડૉ. માંડવિયાએ ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓને ખાતરી આપી હતી કે સરકાર શક્ય તમામ સહકાર આપશે. તેમણે ઉદ્યોગો માટે રજૂ કરવામાં આવેલી 2 ઉત્પાદન સાથે જોડાયેલી પ્રોત્સાહન યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો, જેણે ઘણા મહત્વપૂર્ણ ઔષધીય ઘટકોના સ્વદેશી ઉત્પાદનમાં મદદ કરી છે. તેમણે કોવિડ કટોકટી દરમિયાન ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા આપવામાં આવેલા સકારાત્મક યોગદાનને પણ યાદ કર્યું હતું. તે જ સમયે, તેમણે લોકોને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ પહોંચાડવા માટે સરકાર અને ઉદ્યોગ વચ્ચે સારા સહકાર અને સંકલનના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.


