
દિલ્હી: કેન્દ્રીય રમત મંત્રાલયે ભારતીય કુસ્તી મહાસંઘના નવા સંગઠનની માન્યતા રદ કરી દીધી છે. મંત્રાલયે WFIના નવનિયુક્ત પ્રમુખ સંજય સિંહને પણ સસ્પેન્ડ કરી દીધા છે. નવા પ્રમુખ સંજય સિંહે જાહેરાત કરી હતી કે અંડર 15 અને અંડર 19ની મેચ ગોંડામાં યોજાશે, જોકે આ માટેના નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. આ કારણોસર રમત મંત્રાલયે આ કાર્યવાહી કરી છે. રમતગમત મંત્રાલયે નવનિયુક્ત અધ્યક્ષ સંજય સિંહ દ્વારા લેવામાં આવેલા તમામ નિર્ણયો પણ રદ કરવાનો નિર્ણય લીધો છે.
ગુરુવારે WFIના પ્રમુખ તરીકે ચૂંટાયેલા સંજય સિંહને WFIના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના માનવામાં આવે છે. સંજય સિંહ પ્રમુખ તરીકે ચૂંટાયા બાદ કુસ્તીબાજોએ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો. કુસ્તીબાજોએ કહ્યું કે તે બ્રિજભૂષણ શરણ સિંહની નજીક છે અને આવી સ્થિતિમાં WFIમાં કોઈ સુધારાની આશા નથી. સિંઘના પ્રમુખ બન્યા પછી તરત જ રિયો ઓલિમ્પિકમાં મેડલ જીતનાર કુસ્તીબાજ સાક્ષી મલિકે રમતમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તે જ સમયે, બજરંગ પુનિયાએ તેમનું પદ્મશ્રી પણ પરત કર્યું હતું.
પોતાની નિવૃત્તિની જાહેરાત કરતી વખતે સાક્ષીએ કહ્યું હતું કે, “મેં કુસ્તી છોડી દીધી છે, પરંતુ હું ગઈકાલ રાતથી ચિંતિત છું, જે જુનિયર મહિલા કુસ્તીબાજો મને ફોન કરીને જુનિયર નેશનલ ચેમ્પિયનશિપ 28 ડિસેમ્બરથી યોજવાનું કહી રહ્યાં છે અને કુસ્તી મહાસંઘ તેનું આયોજન ગોંડાના નંદની નગરમાં કરી રહ્યા છે.તેણે કહ્યું, “ગોંડા બ્રિજભૂષણનો વિસ્તાર છે, તમે કલ્પના કરી શકો છો કે કેવી રીતે જુનિયર મહિલા કુસ્તીબાજો ત્યાં સ્પર્ધામાં ભાગ લેશે. શું રાષ્ટ્રીય ચેમ્પિયનશિપનું આયોજન કરવા માટે નંદિની નગર સિવાય દેશમાં અન્ય કોઈ સ્થાન નહોતું, મને સમજાતું નથી કે મારે શું કરવું.”