
છોટાઉદેપુરથી અલીરાજપુર જતી બસ ચાંદપુર પાસે રેલિંગ તોડીને નદીમાં ખાબકતા ત્રણના મોત, 28ને ઈજા
વડોદરાઃ છોટાઉદેપુરથી વહેલી સવારે અલીરાજપુર જતી ખાનગી બસ આજે વહેલી પરોઢે ચાંદપુર પાસે રેલિંગ તોડીને મેલખોદરા નદીના બ્રિજ પરથી ખાબકી હતી. જેમાં એક વર્ષની ઉંમરના એક બાળક સહિત 3 લોકોના મોત થયા હતા. જ્યારે 28 લોકોના ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે અલીરાજપુરની હોસ્પિટલમાં લઈ જવાયા છે. વહેલી પરોઢે ગાઢ ધૂમ્મસ કે બસનાચાલકને ઝોકું આવી જતાં સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પુલની રેલિંગ તોડીને ઊંડા ખાડામાં ખાબકી હોવાનું કહેવાય છે. ઘટનાની જાણ થતા જ અલીરાજપુરના કલેક્ટર મનોજ પુષ્પ તેમજ એસપી મનોજકુમાર સિંહ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ખાનગી બસ ભૂજથી મધ્યપ્રદેશના બડવાની થઇ રહી હોવાની માહિતી મળી છે.
ચાંદપુર પાસે રેલિંગ તોડીને ખાનગી ટ્રાવેલ્સની બસ 15 ફુટ ઊંડા મેલખોદરા નદીના બ્રિજ પરથી ખાબકી હોવાની જાણ થતાં લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે દોડી ગયા હતા અને સ્થાનિક તંત્ર દ્વારા 3 જેસીબીની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું અને ખાનગી બસને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આજે વહેલી સવારે 5:45 વાગ્યે છોટાઉદેપુરથી અલીરાજપુર તરફ જઇ રહેલી બસના ડ્રાઇવરને ઝોકુ આવતા બસ મેલખોદરા નદીના બ્રિજ પરથી નદીમાં ખાબકી હતી. ઘટનાની જાણ થતાં અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આસપાસના લોકોની મદદથી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બસમાંથી 39 લોકોને રેસ્ક્યૂ કર્યાં હતા. જે પૈકી 28 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુન્સ મારફતે અલીરાજપુર જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.