
ગુજરાતમાં રિક્ષા ચાલકોની હડતાળ, મુસાફરોની મુશ્કેલીમાં વધારો
અમદાવાદઃ ગુજરાતમાં સીએનજીના ભાવમાં થયેલો વધારાને પગલે રિક્ષા ચાલકોને ભાડામાં વધારો કરવાની સાથે સીએનજીના ભાવમાં ઘટાડો કરવાની માંગણી સાથે આજે સવારથી 36 કલાકના હડતાળ ઉપર ઉતર્યાં છે. રિક્ષા ચાલકોની હડતાળને પગલે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ રિક્ષા ચાલક એસો અને સરકાર વચ્ચે આ મુદ્દે બેઠક મળવાની હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સીએનજીના ભાવ વધારાને પગલે રિક્ષા ચાલકોએ સબસીડી આપવા સહિતના પ્રશ્નોને પગલે આજે સવારથી હડતાળ ઉપર ઉતર્યાં છે. જેના કારણે સવારના સમયે નોકરી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 36 કલાકની આ હળતાડ આવતીકાલે બપોરના 12 કલાકે પૂર્ણ થશે. જો આ પહેલા સરકાર દ્વારા માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તા. 21મી નવેમ્બરથી અચોક્સ મુદ્દતની હડતાળ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.
રિક્ષા ચાલકોની વિવિધ માંગણીઓ મુદ્દે વિવિધ એસોસિએશનમાં ભાગલા પડી ગયાં છે. બીજી તરફ સરકારે પણ આ હડતાળ ઝડપથી સંકેલાય તે દિશામાં કવાયત શરૂ કરી છે. આજે રિક્ષા ચાલકોના એસો. અને વાહન વ્યવહાર મંત્રી વચ્ચે બેઠક યોજાશે. જેમાં વિવિધ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવશે.