
જુનાગઢઃ જિલ્લાના વહિવટી તંત્ર દ્વારા ગિરનાર પર્વત અને તળેટી વિસ્તારમાં પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેના લીધે પાણીના પ્લાસ્ટિકના પાઉચ, પ્લાસ્ટિકની પાણીની બોટલો, વગેરેના વેચાણ પર પ્રતિબંધને કારણે સ્થાનિક વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. અને સતત ત્રીજા દિવસે વેપારીઓએ બંધ પાળી વિરોધ નોંધાવ્યો છે. ગિરનાર પર પ્લાસ્ટિકની બોટલના વેચાણ પર પ્રતિબંધના નિર્ણયને લઈને વેપારીઓમાં રોષ છે. 120 જેટલા વેપારીઓએ વેપાર ધંધા બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. પ્લાસ્ટિક પર પ્રતિબંધ બાદ તંત્ર દ્વારા પાણીની સુવિધા કરાઈ હતી પરંતુ તે કામચલાઉ ધોરણે હતી. આથી પ્રવાસીઓને પાણી વિના ભારે હાલાકી વેઠવાનો વાર આવી રહ્યો છે.
ગિરનારની યાત્રાએ રોજબરોજ અનેક પ્રવાસીઓ આવી રહ્યા છે. ગિરનારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક લઈ જવા પર પ્રતિબંધ મુકાયા બાદ પીવાના પાણીની બોટલ પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ગિરનાર પર્વત પરના વેપારીઓને વોટર-જગ આપવામાં આવ્યા છે, પરંતુ અહીં આવતા પ્રવાસીઓ વોટર-જગમાંથી લૂઝ પાણી પીવા તૈયાર ન હોવાનો વેપારીઓ દાવો કરી રહ્યા છે. પાણીને લઈ તંત્ર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય કરવામાં આવે એવી માગ સાથે ગિરનાર પર્વત પર દુકાનો ધરાવતા વેપારીઓ છેલ્લા ત્રણ દિવસથી હડતાળ પર ઊતરી ગયા છે. દુકાનો બંધ રહેતાં પર્વત પર આવી રહેલા પ્રવાસીઓ પરેશાન જોવા મળ્યા હતા. આગામી દિવસોમાં શિવરાત્રિ આવી રહી હોઈ, તંત્ર આ સમસ્યાનો હલ કાઢે એવી વેપારીઓ અને પ્રવાસીઓ માગ કરી રહ્યા છે. બે દિવસ પહેલા વેપારીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી પાણીની બોટલ પરનો પ્રતિબંધ હટાવવાની માગ કરી હતી. બીજી તરફ પ્રવાસીઓ પણ પાણીની સુવિધા આપવાની માગ કરી રહ્યા છે.
જુનાગઢમાં ગિરનાર પર્વત પર ગંદકી ફેલાતી અટકાવવા જાહેરહિતની અરજી બાદ હાઇકોર્ટે ગત ઓક્ટોબરમાં સફાઇનો આદેશ આપ્યો હતો. પર્વત પર ગંદકીની સફાઇ થાય છે કે નહીં તેનું નિરીક્ષણ કરવા માટે હોઈકોર્ટ કમિશનની રચના પણ કરી હતી. આ ટીમે વહીવટી તંત્રએ સફાઈ માટે શું કર્યું, સીડી પર કચરાપેટી મુકાઈ છે કે નહીં, પ્લાસ્ટિક પરના પ્રતિબંધનો અમલ થાય છે કે નહીં વગેરે બાબતોનું નિરીક્ષણ પણ કર્યું હતું. ગિરનાર પર પાણીની વ્યવસ્થા કરવાના પ્રયાસો કરાયા હતા. પરંતુ પાછું ઠેરનું ઠેર થઈ જતાં પ્રવાસીઓ પરેશાની ભોગવી રહ્યા છે. જો કે, જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયા દ્વારા ખાતરી આપવામાં આવી કે ગિરનાર ઉપર પાણીના ટાંકા ઉભા કરવામાં આવશે. હાલ તો સરકારી તંત્ર ઉકેલ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આવનારા સમયમાં ગીરનાર, ભવનાથ તળેટી સહિતના વિસ્તારોનો પ્લાસ્ટિક મુક્ત થઈ કાયાકલ્પ થઈ જાય તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે.