
વડોદરામાં ફતેહગંજ બ્રિજ પર ટ્રકની એક્સલ તૂટી જતાં કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
વડોદરાઃ શહેરમાં ટ્રાફિકથી ધમધમતા ફતેહગંજ બ્રિજ પર 35 ટન રેતી ભરેલા ટ્રક-ટ્રેલરની એક્સલ તૂટી જતાં રોડની વચ્ચેવચ ટ્રક-ટ્રેલર ઊભો રહી ગયો હતો. અને ટ્રકને હટાવાય નહીં ત્યાં સુધી કોઈપ પણ વાહનો નીકળી શકે તેમ નહોતા. આથી કલોકા સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે સ્થળ પર પહોંચીને ટ્રક બંધ પડ્યો હતો તે સાઈડનો રોડ બંધ કરાવીને બીજી સાઈડ પર ડાયવર્ઝન અપાતા વાહન ચાલકો પરેશાન થયા હતા.
વડોદરા શહેરના ફતેહગંજ બ્રિજ પર આણંદ આક્લવથી જબલપુર જતી 35 ટન માલ ભરેલી ટ્રકનું એક્સલ તૂટી જતા ટ્રક એક બાજુ નમી પડી હતી. નસીબ જોગે રાત્રિના સમયે ખાસ વાહનો પસાર થતાં નહીં હોવાથી ગમખ્વાર અકસ્માત ટળ્યો હતો. પણ સવારથી આ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ તાત્કાલિક અસરથી એક બાજુનો ટ્રાફિક બંધ કર્યો હતો. જેથી બીજી તરફના બ્રિજના ભાગમાં વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી.
વડોદરા શહેરમાં વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં શહેરના આજવા રોડ ઉપર પસાર થતાં બાઈક ચાલકને પોલીસ વાને ટક્કર મારતા ગંભીર ઈજા થતાં બાઈકચાલકનું મોત નિપજ્યું હતું.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, વડોદરા તાલુકાના સિકંદરપુરા ગામના ડાહ્યાભાઈ પરમારનો દીકરો નિલેશ પોતાની બાઈક લઈને કામ અર્થે વડોદરા તરફ આવી રહ્યો હતો. ત્યારે સફેદ રંગની બોલેરો જીપમાં ચાલકે નિલેશની બાઈકને ટક્કર મારી હતી. તેને કારણે નિલેશ ફૂટબોલની જેમ ફંગોળાઈને રોડ પર પડ્યો હતો. લોહી લુહાણમાં પડેલા નિલેશને એ જ હાલતમાં છોડી પોલીસ પ્રજાનો મિત્ર ગણાય હોવા છતાં પોલીસ વાનનો ચાલક નફ્ફટાઈપૂર્વક પોતાની જીપ લઈને નાસી ગયો હતો. પ્રત્યક્ષદર્શીઓએ સંવેદનાવિહીન પોલીસ જવાનો પ્રત્યે ફિટકારની લાગણી વરસાવી હતી. અને 108 ની મદદથી નિલેશને સયાજી હોસ્પિટલમાં મોકલ્યો હતો. ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.