
અમદાવાદઃ દહેગામ બાયડ હાઈવે પર લવાડફાર્મ નજીક મોડી રાત્રે ટ્રક અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર કાકા ભત્રીજી મોત નીપજતા દહેગામ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ઝાડ અને ટ્રક વચ્ચે ઇકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
ગુજરાતમાં માર્ગ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં દહેગામ0- બાયડ હાઈવે પર ટ્રક અને ઈકોકાર વચ્ચે અકસ્માત સર્જાતા બેના મોત નિપજ્યા હતા. આ બનાવમાં મહિસાગરનાં લુણાવાડા ખાતે રહેતાં ઘનશ્યામભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના મોટા ભાઈ શશિકાંતની દીકરી રિદ્ધિ કલોલ ખાતે અભ્યાસ કરે છે. જેને મળવા માટે તેઓ ઈકો ગાડી લઈને કલોલ આવવા નિકળ્યા હતા. જેમની સાથે ઘનશ્યામભાઈની દીકરી દેવ્યાશી પણ હતી. રાત્રીના નવ વાગ્યાના અરસામાં રિદ્ધિએ ફોન કરીને તેના કાકા ઘનશ્યામભાઈને જણાવ્યું હતું કે, દહેગામ બાયડ હાઈવે રોડ ઉપર લવાડફાર્મ નજીક ટ્રક અને ઈકોનો અકસ્માત થયો છે. પપ્પાને દહેગામ દવાખાને તેમજ દેવ્યાશીને ગાંધીનગર સિવિલ લઈ ગયા છે. આથી ઘનશ્યામભાઈ સગાઓ સાથે ગાંધીનગર આવી પહોંચ્યા હતા. એ વખતે રસ્તામાં લવાડફાર્મ નજીક ટ્રક – ઈકોકાર અકસ્માતગ્રસ્ત હાલતમાં પડી હતી સિવિલ પહોંચ્યા બાદ ઘનશ્યામભાઈને માલુમ પડયું હતું કે તેમની દીકરીનું માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ થવાથી પ્રાથમિક સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જ્યારે તેમના ભાઈ શશીકાંતનું સ્થળ ઉપર મોત થયું છે. દહેગામ સરકારી દવાખાનામાં બન્ને મૃતદેહોનું પીએમ કરાયા બાદ વતન લઈ જવાયા હતા. આ અંગે પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.