
ગુજરાતઃ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત 7 વર્ષમાં 6 લાખથી વધુ આવાસોને મંજૂરી અપાઈ
ગાંધીનગરઃ વિધાનસભા ગૃહ ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચામાં સહભાગી થતા ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે, ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં શહેરો જેવી જ ઉત્તમ માળખાકીય સુવિધાઓ પૂરી પાડીને ગ્રામ્ય જીવનને ઉન્ન્ત બનાવવા માટે અમારી સરકાર એક સંકલ્પ સાથે સતત પ્રયત્નશીલ છે.
મંત્રી કુંવરજી હળપતિએ કહ્યું હતું કે, રાજ્ય સરકારે ગામડામાં વસતા નાગરિકોને રહેવા માટે પાકા ઘર, સ્વચ્છતા, વૈકલ્પિક ઊર્જા, સ્વચ્છ વાતાવરણ, પ્રાથમિક આરોગ્ય લક્ષી સુવિધા અને યુવાનોને કૌશલ્ય વર્ધક તાલીમ જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડીને ગામડાઓને આત્મનિર્ભર બનાવવા અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે.
મંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ઘર વિહોણા પરિવારોને પોતાનું પાકુ ઘરનું ઘર પ્રદાન કરવામાં સહાયરૂપ થવા પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અમલમાં છે. આ યોજના અંતર્ગત વર્ષ 2016-17 થી 2022-23 સુધીમાં 6 લાખથી વધુ આવાસોની મંજૂરી આપવામાં આવી છે અને આશરે 5 લાખથી વધુ આવાસોના બાંધકામ પૂર્ણ થયા છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન અંતર્ગત જંગલોમાં વસતા આદિમજૂથોને આવાસની સુવિધા પૂરી પાડવા વર્ષ 2024-25 માટે બજેટમાં રૂ. 164 કરોડની જોગવાઇ કરાઈ છે.
મંત્રીએ કહ્યું હતું કે, મનરેગા યોજના હેઠળ પારદર્શિતા લાવવા રાજ્ય સરકાર દ્વારા તમામ જોબ કાર્ડ ડિજીટલ કરવામાં આવ્યા છે અને શ્રમિકોના બેંક ખાતાઓને આધાર સાથે જોડવામાં આવ્યા છે. આશરે 27.66 લાખ કાર્યરત શ્રમિકો પૈકીના ૯૫ ટકા શ્રમિકોના બેંક ખાતામાં આધાર બેઝડ પેમેન્ટ સીસ્ટમ માટે સક્ષમ બન્યા છે. આ ઉપરાંત એરિયા ઓફિસર એપ્લીકેશન, નેશનલ મોબાઈલ મોનિટરિંગ સિસ્ટમ, સ્વતંત્ર સામાજિક ઓડિટ યુનિટ જેવા વિવિધ પગલાઓ લેવામાં આવ્યા છે.