અમેરિકી સૈનિકો પર થયેલા ઘાતક હુમલાનો બદલો લેવા માટે અમેરિકાએ સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ (IS) ના આતંકીઓ અને તેમના હથિયારના ડેપો પર જોરદાર સૈન્ય હુમલો કર્યો છે. અમેરિકી વહીવટીતંત્રે આ કાર્યવાહીની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, સીરિયામાં ISIS વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, મધ્ય સીરિયામાં અમેરિકી સૈન્યએ હાથ ધરેલા આ ઓપરેશનમાં IS ના આશરે 70 જેટલા બુનિયાદી માળખા અને હથિયારોના ભંડારને નિશાન બનાવવામાં આવ્યા છે. આ હુમલો ગત 13 ડિસેમ્બરે સીરિયાના પાલમાયરા શહેરમાં અમેરિકી કાફલા પર થયેલા હુમલાનો વળતો જવાબ છે, જેમાં બે અમેરિકી સૈનિકો અને એક નાગરિક દુભાષિયા (ઇન્ટરપ્રેટર) ના મોત થયા હતા.
અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે આ મિશનને ‘ઓપરેશન હોકઆઈ સ્ટ્રાઈક’ નામ આપ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે, “આ કોઈ નવા યુદ્ધની શરૂઆત નથી, પરંતુ બદલાની જાહેરાત છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં યુનાઈટેડ સ્ટેટ્સ પોતાના લોકોની રક્ષા માટે ક્યારેય પાછળ હટશે નહીં. આજે અમે દુશ્મનોનો શિકાર કર્યો છે અને તે આગળ પણ ચાલુ રહેશે.”
ઓપરેશન અંગે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, આ કાર્યવાહી સીરિયામાં ISIS દ્વારા બહાદુર અમેરિકી દેશભક્તોની ક્રૂર હત્યાના બદલા તરીકે કરવામાં આવી છે. જે આતંકીઓએ અમેરિકી સુરક્ષા દળોના કાફલા પર હુમલો કર્યો હતો, તેમને વીણી વીણીને મારવાની રણનીતિ પર અમેરિકા આગળ વધી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, 13 ડિસેમ્બરે થયેલા હુમલામાં ત્રણ અન્ય અમેરિકી સૈનિકો પણ ઘાયલ થયા હતા. અમેરિકી સૈન્ય અધિકારીઓના મતે, આગામી દિવસોમાં આતંકીઓના નેટવર્કને મૂળમાંથી ખતમ કરવા માટે આવા વધુ હુમલાઓ કરવામાં આવી શકે છે.


