
અમેરિકાની નૌસેનાના યુદ્ધજહાજોએ રવિવારે દક્ષિણ ચીન સાગરમાં ફ્રીડમ ઓફ નેવિગેશન ઓપરેશન કર્યું હતું. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોર વચ્ચે હવે અમેરિકાએ દક્ષિણ ચીન સાગરમાં પોતાના જંગી યુદ્ધજહાજો ઉતાર્યા છે. વિશ્વની સૌથી મોટી બે અર્થવ્યવસ્થાઓ વચ્ચે વર્ષોથી ચાલી રહેલો તણાવ હવે ગંભીર બની રહ્યો છે.

અમેરિકાની સેનાનું કહેવું છે કે દક્ષિણ ચીન સાગરમાં સ્કારબોરા શોઆલની નજીક અમેરિકાના યુદ્ધજહાજોની તેનાતી છે. અમેરિકાની આ પહેલા બાદ હવે ચીનની ભ્રમરો પણ વંકાય તેવું નિશ્ચિત છે. સ્કારબોરા શોઆલ એ સમુદ્રી વિસ્તાર છે કે જ્યાં ચીન જ નહીં, પણ ફિલિપિન્સ અને તાઈવાન પણ પોતાના દાવા કરતા રહ્યા છે.
જો કે આના સંદર્ભે અમેરિકાની નૌસેનાનું કહેવું છે કે આ પગલું વૈશ્વિક નિયમો પ્રમાણે જ ઉઠાવાયું છે. આ કોઈપણ પ્રકારનો પડકાર નથી. જો કે એ બીજી વાત છે કે જ્યારે અમેરિકાની સેનાએ દક્ષિણ ચીન સાગરમાં યુદ્ધજહાજ ઉતાર્યા છે. તેના ઉપર અમેરિકાની નૌસેનાએ કહ્યું છે કે ફ્રીડમ ઓફ નેવિગેશનનો ઉદેશ્ય વિવાદીત ક્ષેત્ર પર વિશ્વભરનું ધ્યાન કેન્દ્રીત કરવું જરૂરી છે.
આ જળમાર્ગ પર અમેરિકાનું હંમેશા માનવું રહ્યું છે કે મુક્ત વ્યાપાર હેઠળ વિશ્વના તમામ દેશોને આ માર્ગનો ઉપયોગ કરવાનો અધિકાર છે. કોઈ દેશનો આ જળમાર્ગ પર એકાધિકાર હોવો જોઈએ નહીં.
અમેરિકા એશિયાના શક્તિશાળી દેશ ચીનની આ વિસ્તાર પરની દાવેદારી સામે વાંધો વ્યક્ત કરતું રહ્યું છે. ચીનનું આ જળમાર્ગ પર હંમેશાથી વલણ રહ્યું છે કે આ જળમાર્ગ તમામ માટે ખુલ્લો રાખવામાં આવે નહીં. આ જળમાર્ગ જાપાન સહીત તમામ દક્ષિણ – એશિયન દેશો આવાગમન ચાલુ રાખવા ચાહે છે.
મહત્વપૂર્ણ છે કે આ ઘટનાક્રમ વચ્ચે ભારત અને સિંગાપુરની નૌસેનાએ રવિવારે દક્ષિણ ચીન સાગરમાં દ્વિપક્ષીય અભ્યાસ કર્યો હતો. આ કવાયત 22 મે સુધી ચાલશે. ભારતીય નૌસેનાએ પોતાના સમુદ્રી પેટ્રોલિંગ વિમાન પોસીડોન-81ની સાથે અહીં કવાયતમાં ભાગ લીધો હતો.
સિંગાપુર તરફથી જહાજો સ્ટીડફાસ્ટ અને વેલિએન્ટે સમુદ્રી પેટ્રોલિંગ વિમાન ફોકર-50 અને એફ-16 યુદ્ધવિમાન સાથે આ કવાયતમાં ભાગ લીધો હતો. દક્ષિણ ચીન સાગરમાં ઘણાં દેશ પોતાની દાવેદારી કરે છે અને ત્યાં ચીની નૌસેના પોતાના દબદબાનો પણ પ્રયાસ કરે છે.