
વડોદરાની દુર્ઘટના, હોડીમાં 12ની ક્ષમતા સામે 27ને બેસાડ્યાં, બાળકોને લાઈફ જેકેટ પણ ન પહેરાવ્યાં
વડોદરાઃ શહેરમાં ન્યૂ સનરાઈઝ સ્કૂલની પિકનિક દરમિયાન હરણી તળાવમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 2 શિક્ષિકાઓ અને 13 વિદ્યાર્થીઓ સહિત કુલ 15ના મોતથી ભારે ગમગીની વ્યાપી ગઈ હતી. ઘટનામાં હોડીના કોન્ટ્રાક્ટરની મોટી બેદરકારી સામે આવી છે. 12 બેઠકોની ક્ષમતા ધરાવતી હોડીમાં 27 લોકોને બેસાડ્યા હોવાનો તેમજ લાઈફ જેકેટ પણ પહેરાવ્યા ન હોવાની વિગતો સામે આવી છે. હરણી તળાવમાં હોડી ચલાવવાનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ હોવાનો ખુલાસો થયો છે.
જ્યારે ઘટના અંગે ન્યુ સનરાઈઝ શાળાના શિક્ષકોએ કોન્ટ્રાક્ટર પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, ‘હોડીની ક્ષમતા 10થી 12 બાળકની હતી. આમ છતાં તેમણે 25થી વધુ બાળકો એક જ હોડીમાં બેસાડ્યા હતા અને વજન વધી જતા આ અકસ્માત સર્જાયો હતો.’જો કે આ અંગે કોન્ટ્રાક્ટરે જણાવ્યું છે કે, ‘અમે વધુ બાળકો નહોતા બેસાડ્યા. આ ઉપરાંત તેમને લાઈફ જેકેટ પણ પહેરાવવામાં આવ્યા હતા. કોણ સાચુ છે તે તો તપાસ બાદ માલુમ પડશે. પરંતું હાલ તો જે પરિવારોએ પોતાના બાળકો ગુમાવ્યા છે, તેઓ સતત રડી રહ્યા છે.
વીએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના હરણી તળાવમાં હોડી ચલાવવાનો કોન્ટ્રાક્ટ કોટિયા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ લિમિટેડના પરેશ શાહ નામની વ્યક્તિ પાસે છે. અને પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હોવાનું પણ કહેવાય છે. શિક્ષકો-વિદ્યાર્થીઓ ભરેલી હોડી ડુબી જવાની ઘટનામાં સેવઉસળની લારીવાળો હોડી ચલાવી રહ્યો હોવાના પણ અહેવાલો પણ મળ્યા છે.
આ દુર્ઘટનાની જાણ થતાં રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતનાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે. મૃતકના પરિજનોને PM રાહત ભંડમાંથી 2 લાખ અને રાજ્ય સરકાર દ્વારા 4 લાખની સહાય જાહેર કરવામાં આવી હતી.