
24 વર્ષ પછી બનશે ગોવિંદાની ‘કુલી નંબર 1’ની રિમેક, ફેન્સને હસાવશે વરૂણ ધવન-સારા અલી ખાનની જોડી
બોલિવુડમાં રિમેક ફિલ્મો બનતી રહે છે પરંતુ હાલ જૂની ફિલ્મોને ફરીથી બનાવવાનો દોર ચાલી રહ્યો છે. હવે ગોવિંદા અને કરિશ્મા કપૂર સ્ટારર ‘કુલી નંબર 1’ની રિમેક બનવા જઈ રહી છે. ડેવિડ ધવનના ડાયરેક્શનમાં 24 વર્ષ પછી ફરીથી બની રહેલી આ ફિલ્મમાં હવે વરુણ ધવન અને સૈફ અલી ખાન-અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન જોવા મળશે. ફિલ્મ એક વર્ષ પછી 1 મે, 2020ના રોજ રીલીઝ કરવામાં આવશે.

વરૂણ ધવને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર કુલી નંબર 1ના બિલ્લાનો ફોટો શેર કરીને પોતાના ફેન્સને આ વાતની જાણકારી આપી છે. વરૂણે પોસ્ટ કરીને લખ્યું કે, આજના દિવસે, આગામી વર્ષે આવશે કુલી નંબર 1- થશે કમાલ.
Aaj ka Din , Agle Saal
— VarunDhawan (@Varun_dvn) May 1, 2019
Aega Coolie No.1 – Hoga Kamaal !!!
Coolie No.1 releases on May 1, 2020 #DavidDhawan #SaraAliKhan @vashubhagnani @poojafilms #1YearForCoolieNo1 #LabourDay pic.twitter.com/RzM7SQUA1V
વરૂણે પોતાની પોસ્ટથી જણાવી દીધું છે કે આ ફિલ્મને તેના પિતા ડેવિડ ધવન ડાયરેક્ટ કરશે અને તેની સાથે ફિલ્મમાં સારા અલી ખાન લીડ રોડ પ્લે કરશે. ફિલ્મને વાસુ ભગનાની પ્રોડ્યુસ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે 1995માં આવેલી આ ફિલ્મમાં ગોવિંદાએ કુલીની ભૂમિકા ભજવી હતી, જેને કાદર ખાન પોતાની દીકરી આપવા માટે તૈયાર નથી. એટલે ગુસ્સામાં તે એક પ્લાન બનાવે છે અને પછી અમીર હોવાનું નાટક કરીને કાદર ખાનની દીકરી એટલે કે કરિશ્મા કપૂર સાથે દગાથી લગ્ન કરી લે છે. ફિલ્મને એટલા જબરદસ્ત કોમેડી અંદાજથી બનાવવામાં આવી હતી કે લોકો આજે પણ તેને જોઈને હસી-હસીને વાંકા વળી જાય છે. જોવાનું હવે એ છે કે વરૂણ આ કેરેક્ટરને કેટલો ન્યાય આપી શકે છે.