મે માસમાં એડમિરલ સુનિલ લાંબા થશે રિટાયર, વાઈસ એડમિરલ કરમબીરસિંહ બનશે ઈન્ડિયન નેવીના ચીફ
વાઈસ એડમિરલ કરમબીર સિંહ ભારતીય નૌસેનાના આગામી પ્રમુખ બનશે. ડિફેન્સ સ્પોક્સપર્સને પોતાના ટ્વિટમાં આના સંદર્ભે માહિતી આપી છે. મે માસમાં એડમિરલ સુનિલ લાંબા નૌસેનાના પ્રમુખ પદેથી સેવાનિવૃત્ત થઈ રહ્યા છે. એડમિરલ લાંબાના સ્થાને નવા નૌસેના પ્રમુખ તરીકે વાઈસ એડમિરલ કરમબીરસિંહની નિયુક્તિ કરવામાં આવી છે.

વાઈસ એડમિરલ કરમબીરસિંહ હાલ વિશાખાપટ્ટનમ ખાતે ઈસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ તરીકે સેવારત છે.
નેવીની સત્તાવાર વેબસાઈટ મુજબ, વાઈસ એડમિરલ કરમબીરસિંહ ખડકવાસલા ખાતે નેશનલ ડિફેન્સ એકેડમીમાંથી પાસ આઉટ થયેલા છે. તેઓ જુલાઈ-1980માં ભારતીય નૌસેનામાં અધિકારી બન્યા હતા. તેઓ 1982માં હેલિકોપ્ટરના પાયલટ બન્યા હતા. તેમણે મુંબઈની નેવલ વોરફેર કોલેજ ડિફેન્સ સર્વિસિસ સ્ટાફ કોલેજ વેલિંગ્ટનમાંથી સ્નાતક થયા છે.
36 વર્ષની પોતાની નૌસૈન્ય અધિકારી તરીકેની કારકિર્દીમાં વાઈસ એડમિરલ કરમબીર સિંહે ભારતીય કોસ્ટ ગાર્ડ, નેવલ મિસાઈલ કોર્વટ અને ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયરને કમાન્ડ કર્યા છે.
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

