પશ્ચિમ બંગાળ ચૂંટણી: સુરક્ષા માટે આર્મ્ડ ફોર્સની 2,400 કંપનીઓ તૈનાત કરાશે
નવી દિલ્હી, 21 માર્ચ 2026: પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણીને મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા(ECI) કમર કસી છે. રાજ્યમાં બંને તબક્કાની ચૂંટણીઓ માટે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ(CAPF), ઈન્ડિયા રિઝર્વ બટાલિયન(IRB) અને અન્ય રાજ્યોની સશસ્ત્ર પોલીસ સહિત કુલ 2,400 કંપનીઓ તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ચૂંટણી પંચ દ્વારા શુક્રવારે(20 માર્ચ) રાત્રે કરવામાં આવેલી જાહેરાત મુજબ, બંગાળમાં પ્રથમ તબક્કાનું મતદાન 23 એપ્રિલ અને બીજા તબક્કાનું મતદાન 29 એપ્રિલના રોજ યોજાશે. મહત્વનું છે કે, સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે CAPFની 480 કંપનીઓ અગાઉથી જ બંગાળમાં તૈનાત કરી દેવામાં આવી છે.
ચૂંટણી પછીની હિંસા રોકવા માસ્ટર પ્લાન:
ગત 2021ની વિધાનસભા ચૂંટણી અને 2024ની લોકસભા ચૂંટણી બાદ થયેલી વ્યાપક હિંસાને ધ્યાનમાં રાખીને આ વખતે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. મતદાન પૂર્ણ થયા બાદ પણ
200 કંપનીઓ EVM, સ્ટ્રોંગ રૂમ અને કાઉન્ટિંગ સેન્ટરોની સુરક્ષા માટે તૈનાત રહેશે. 500 કંપનીઓ કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા ચૂંટણી પછીની સંભવિત હિંસા રોકવા માટે આગામી આદેશ સુધી રાજ્યમાં જ રોકાશે. બાકીની 1,700 કંપનીઓ મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરત ખેંચાશે.
સમગ્ર સુરક્ષા વ્યવસ્થાનું સંકલન સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ(CRPF) દ્વારા કરવામાં આવશે. CRPF પશ્ચિમ બંગાળ સેક્ટરના આઈજી શલભ માથુરને સ્ટેટ ફોર્સ કો-ઓર્ડિનેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પંચે રાજ્ય સરકારને સૂચના આપી છે કે આ જવાનોના પરિવહન, રહેઠાણ અને અન્ય સુવિધાઓની જવાબદારી તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે.
વધુ વાંચો: ભારતીય ક્રિકેટ ટીમ જૂન-2026માં 2 T20 મેચ માટે આયર્લેન્ડનો પ્રવાસ કરશે


