
મકરસંક્રાંતિથી કમૂર્તા પૂર્ણ થતાં લગ્નની મોસમ ખાલી ઊઠશે, પાર્ટીપ્લોટ્સ, રસોઈયા, વગેરે બુક થઈ ગયાં
અમદાવાદઃ આવતીકાલ શનિવારથી એટલે કે, મકરસંક્રાતિથી કમુર્તા પૂર્ણ થતાં લગ્નસરાની સીઝન પુરજોશમાં ખીલી ઉઠશે. 15મી જાન્યુઆરીથી જૂન વચ્ચે લગ્નો માટે અનેક શુભ મુહૂર્તો છે. એટલે ધૂમ લગ્નો યોજાશે. પાર્ટી પ્લોટ્સ, મેરેજ હોલ, કેટરિંગ, મંડપ ડેકોરેશન, ડીજે વગેરે બુક થઈ ગયા છે. લગ્નસરાની સિઝનની માગને પહોંચી વળવા વેપારીઓ ઉત્સાહિત છે. ખાન–પાન, ઘી–તેલ, સાબુ–કોસ્મેટિક, કપડા–જવેલરી, સજાવટની સામગ્રી ઈલેકટ્રોનિકસ, ક્રોકરી, કેટરિંગ સર્વિસ, હોલ, પાર્ટીપ્લોટ ડીજે સાઉન્ડ વગેરેમાં કરોડનો બિઝનેસ થવાની શકયતા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ મકરસંક્રાંતિ યાને ઉત્તરાણના પર્વથી કમૂર્તા પૂર્ણ થતાં જ માંગલિક પ્રસંગોનું આયોજન કરી શકાશે. 15મી જાન્યુઆરીથી ફેબ્રુઆરી અને માર્ચ દરમિયાન લગ્નો માટે અનેક શુભ મૂહુર્તો હોવાથી લગ્નોની શહેનાઈઓ ગુંજી ઉઠશે. અમદાવાદ સહિત તમામ મહાનગરોમાં મોટાભાગના પાર્ટી પ્લોટ્સ, મેરેજ હોલ, લગ્નોની વાડીઓ અગાઉથી બુક થઈ ગઈ છે. ઘણાબઘા લગ્ન આયોજકોએ કંકોતરીઓ પણ પસંદ કરી લીધી છે. અને કાલે કમૂર્તા ઉતરતા જ કંકોતરીઓ છપાવવા માટે આપશે. ઉપરાંત કેટરિંગ, ગોર મહારાજ, મંડપ ડેકોરેશન, ડીજે, વગેરેનું પણ અગાઉથી બુકિંગ થઈ ગયું છે. ગુજારતમાં બે મહિનામાં હજારો લગ્નો યોજાશે. લગ્નગાળાની સીઝનને કારણે બજારોમાં ઘરાકી જોવા મળશે. વેપારીઓના કહેવા મુજબ લગ્નની સિઝનમાં ઘરેણા, સાડીઓ, ચણિયાચોલી, રેડિમેડ ગારમેન્ટસ, બુટ–ચંપલ, ગ્રીટીંગ કાર્ડ, ડ્રાયફ્રુટસ, મિઠાઈ, ફળ, ફુલ, પુજા સામગ્રી, ગીફટ સામગ્રી વગેરેની પણ માગ રહેતી હોય છે. કાપડ બજારમાં છેલ્લા ઘણા સમયથી મંદી જોવા મળી રહી છે, ત્યારે લગ્નગાળાની સીઝનને લીધે તેજી આવશે તેવી વેપારીઓ આશા રાખી રહ્યા છે. કર્મકાંડી પંડિતોના કહેવા મુજબ કમૂર્તા પૂર્ણ થતાં જ શુભકાર્યો કરી શકાશે. 6 મહિના દરમિયાન લગ્નોના અનેક શુભ મુહૂર્તો છે. જેમાં જાન્યુઆરીમાં 9 મુહૂર્ત, ફેબ્રુઆરીમાં 14, માર્ચમાં 6, મેમા 13, અને જૂનમાં 11 મુહર્ત લગ્નો માટે શુભ છે.