
ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણીમાં શહેરી વિસ્તારોમાં મહિલા મતદારો માટે અલગ પિન્ક બુથ કાર્યરત કરવામાં આવતા હોય છે. આવા બુથ પર માત્ર મહિલાઓ જ મતદાન કરી શકે છે. આવા પિન્કબુથ પર તમામ કર્મચારીઓ મહિલાઓ જ હોય છે. જે મહિલા કર્મચારીઓને આવા મતકેન્દ્રો એટલે કે પિન્કબુથ પર ફરજ સોંપવામાં આવી હોય તેવા મહિલા કર્મચારીઓને રાત્રિ રોકાણ મતકેન્દ્રમાં કરવું ફરજિયાત છે. તેની સામે મહિલા કર્મચારીઓમાં વિરોધ જાગ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ચૂંટણી પંચ દ્વારા પીન્કબૂથમાં મહિલા કર્મચારીઓને તમામ પ્રકારની કામગીરી સોંપવામાં આવી છે. પરંતુ ઘણાં પીન્ક બૂથમાં મહિલા કર્મચારીઓ માટે ભોજન, સેનિટેશન, સ્નાન કરવા સહિતની યોગ્ય વ્યવસ્થા નહી હોવાથી મહિલા કર્મચારીઓને હાલાકી વેઠવી પડે છે. ત્યારે મહિલાઓની હાલાકીને ધ્યાનમાં રાખીને બૂથ ઉપર રાત્રી રોકાણમાંથી છુટ આપવામાં આવે તેવો નિર્ણય રાજ્ય ચૂંટણીપંચ દ્વારા લેવામાં આવે તેવી ચર્ચા મહિલા કર્મચારીઓમાં જોવા મળી રહી છે.
રાજ્યના ચૂંટણી પંચ ગત ચૂંટણીથી પીંક બૂથનો કોન્સેપ અમલી કરવામાં આવ્યો છે. જોકે પીન્ક બૂથમાં મહિલા કર્મચારીઓને તમામ પ્રકારની કામગીરી સોંપવામાં આવે છે. આથી મહિલાઓને મહત્વ આપવા માટે આ અનોખો પ્રયાસ સરાહનીય બની રહ્યો છે. પરંતુ તેની સાથે સાથે પીંક બૂથ ઉપર ચૂંટણીલક્ષી કામગીરીમાં રોકાયેલી મહિલાઓને રાત્રી રોકાણ કરવાનું હોય છે. તેમ છતાં ઘણાં પીન્ક બૂથ ખાતે મહિલા કર્મચારીઓ માટે સેનિટેશન, જમવાની વ્યવસ્થા, સ્નાન કરવાની વ્યવસ્થા, સુવાની વ્યવસ્થા યોગ્ય રીતે નહી હોવાથી હાલાકી પડે છે. ઉપરાંત મહિલા કર્મચારીઓ રાત્રી રોકાણ હોવા છતાં સુરક્ષાનું પણ યોગ્ય આયોજન જરૂરી છે. પીંક બૂથો ઉપર રાત્રી રોકાણ કરવું મહિલા કર્મચારીઓ માટે કપરૂ બની રહેતું હોવાથી ચૂંટણી પંચ દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે તે જરૂરી છે. (file photo)