ઈરાન યુદ્ધમાં હવે યમનની એન્ટ્રી, ઇઝરાયલના પરમાણુ કેન્દ્ર નજીક હૂતીઓનો બેલેસ્ટિક મિસાઈલ હુમલો
તેલ અવીવ, 28 માર્ચ 2026: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ હવે એક ભયાનક વળાંક પર પહોંચી ગયો છે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સીધા સૈન્ય સંઘર્ષમાં હવે યમનના ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓએ ઝંપલાવ્યું છે. શનિવારે વહેલી સવારે હૂતીઓએ દક્ષિણ ઇઝરાયલને નિશાન બનાવીને શક્તિશાળી બેલેસ્ટિક મિસાઈલ છોડતા સમગ્ર વિસ્તારમાં હાઈ-એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
ઇઝરાયલી મીડિયાના અહેવાલો મુજબ, યમન તરફથી આવેલી આ મિસાઈલને કારણે દક્ષિણ ઇઝરાયલના બીરશેબા શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં ભયાનક સાયરન વાગવા લાગ્યા હતા. સૌથી ચિંતાજનક બાબત એ છે કે ઇઝરાયલનું અત્યંત સંવેદનશીલ પરમાણુ અનુસંધાન કેન્દ્ર પણ આ વિસ્તારની નજીક જ આવેલું છે. હૂતીઓના આ સાહસને કારણે પરમાણુ સુરક્ષાને લઈને વૈશ્વિક સ્તરે ચિંતાઓ તેજ બની છે.
અત્યાર સુધી હૂતી વિદ્રોહીઓ મુખ્યત્વે રાતા સમુદ્રમાં પસાર થતા વેપારી જહાજોને નિશાન બનાવતા હતા. પરંતુ, ઇઝરાયલની મુખ્ય ભૂમિ પર સીધો બેલેસ્ટિક મિસાઈલ હુમલો કરવાની આ પ્રથમ મોટી ઘટના છે. ઇઝરાયલી ડિફેન્સ ફોર્સ (IDF) એ પુષ્ટિ કરી છે કે તેઓએ મિસાઈલની ઓળખ કરી લીધી છે અને તેને આકાશમાં જ તોડી પાડવા માટે એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી દીધી છે.
શનિવારની રાત ઇઝરાયલ માટે ભારે સાબિત થઈ હતી. માત્ર યમન જ નહીં, પણ ઈરાન અને લેબનોન સ્થિત હિઝબુલ્લાહ દ્વારા પણ ઇઝરાયલ પર ડ્રોન અને મિસાઈલોનો સતત મારો ચલાવવામાં આવ્યો હતો. આખી રાત ઇઝરાયલના આકાશમાં વિસ્ફોટો અને રોકેટની લાઈટો જોવા મળી હતી, જેને રોકવા ઇઝરાયલની આધુનિક એર ડિફેન્સ સિસ્ટમ સતત કાર્યરત રહી હતી.
આ ગંભીર સ્થિતિને જોતા અમેરિકા પણ હરકતમાં આવ્યું છે. અમેરિકી ઉપરાષ્ટ્રપતિએ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે સીધી વાતચીત કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, હૂતીઓના આ સીધા હુમલા બાદ અમેરિકા હવે યમનમાં હૂતીઓના ઠેકાણાઓ પર ફરીથી મોટા પાયે બોમ્બમારો કરી શકે છે, જેનાથી આ યુદ્ધ વધુ વકરવાની શક્યતા છે.


