ડ્રગ્સ કેસઃ શાહરૂખ ખાનના દીકરા આર્યનનો જેલવાસમાંથી અંતે છુટકારો
મુંબઈઃ ક્રુઝ ડ્રગ્સ કેસમાં અભિનેતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનના લાંબા જેલવાસ બાદ જામીન મંજૂર થયાં હતા. દરમિયાન આજે કાયદાકીય કાર્યવાહી પૂર્ણ થયા બાદ આજે આર્યન ખાનનો જેલમાંથી છુટકારો થયો હતો.
આર્યન ખાનને લેવા માટે બોલીવુડમાં બાદશાહ ખાનના નામે ઓળખાતા શાહરૂખ ખાન દીકરાને લેવા માટે મુંબઈના આર્થર રોડ જેલ પહોંચ્યા હતા.લગભગ 11 કલાકની આસપાસ આર્થર રોડ જેલની બહાર નીકળ્યો હતો. ત્યાર બાદ પિતા શાહરૂખ ખાનની સાથે ઘરે જવા રવાનો થયો હતો. સવારે લગભગ 5.30 કલાકે આર્થર રોડ જેલની જામીન પેટી ખોલવામાં આવી હતી. જે બાદ આર્યનના જામીનના દસ્તાવેજ જેલની અંદર પહોંચ્યા હતા.
જેલ અધિક્ષક નિતીન વાયચાલએ જણાવ્યું હતું કે, આર્યનને જામીન ઉપર મુક્ત કરવાનો કોર્ટનો આદેશ મળી ગયો છે. જામીન ઉપર મુક્ત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે અન્ય આરોપી અરબાઝ મર્ચેંટને આજ સાંજ સુધીમાં મુક્ત કરવામાં આવે તેવી શકયતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એનસીબીએ આર્યન ખાન સહિતના આરોપીઓને 2 ઓક્ટોબરના રોજ ક્રુઝ ઉપર આયોજીત ડ્રગ્સ પાર્ટીમાંથી ઝડપી લીધા હતા. આર્યન ખાન ધરપકડ બાદ લગભગ 27 દિવસ સુધી જેલમાં બંધ રહ્યો હતો.