
અમેરિકાના ફ્લોરિડામાં 13 વર્ષથી ઓછી વયના બાળકો સોશયલ મીડિયાનો નહીં કરી શકે ઉપયોગ
નવી દિલ્હી: અમેરિકાના ફ્લોરિડામાં 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે સોશયલ મીડિયા એકાઉન્ટ ચલાવવાને લઈને નવો કાયદો અમલમાં આવ્યો છે. આના પર ગવર્નર રૉન ડેસેન્ટિસે હસ્તાક્ષર કર્યા છે. તેના હેઠળ હવે ફ્લોરિડામાં 13 વર્ષ અને તેનાથી ઓછી વયના બાળકો સોશયલ મીડિયા એકાઉન્ટ ખોલી નહીં શકે. 14 અને 15 વર્ષના બાળકોને આવા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરવા માટે માતાપિતાની સંમતિની આવશ્યકતા હશે.
સ્થાનિક સરકારે આ પગલું બાળકોને તેમના માનસિક સ્વાસ્થ્યના ઓનલાઈન જોખમોથી બચાવવા માટે ઉઠાવ્યું છે. સોશયલ મીડિયા પ્લેટફોર્મને આ તમામ એકાઉન્ટ્સ બંધ કરવા પડશે, જેમાં માતાપિતાની મંજૂરી નથી. આ બિલ 2025નો કાયદો બની જશે.
ડેસેન્ટિસે કહ્યુ છે કે કાયદો બનાવનારા લોકો માતાપિતાને બાળકોના પાલન-પોષણની આ બેહદ કઠિન સ્થિતિનો સામનો કરવામાં મદદ કરવાની કોશિશ કરી રહ્યા છે. ઈન્ટરનેટ મીડિયા બાળકોને એવી વસ્તુઓ સાથે સંપર્કમાં લાવે છે, જે તેમનામાં ડિપ્રેશન, આત્મઘાત અને નશાની લતનું કારણ બની જાય છે.
ફ્લોરિડા હાઉસના સ્પીકર પોલ રેનરે કહ્યુ છે કે સોશયલ મીડિયા તસ્કરો અને પીડોફાઈલના ખતરાથી ભરેલું છે. સોશયલ મીડિયા પ્લેટફોર્મે આપણા બાળકોના માનસિક આરોગ્ય પર વિનાશકારી પ્રભાવ નાખ્યો છે.