1. Home
  2. ગુજરાતી
  3. અમેરિકા: આર્મી ચીફ જનરલ રેન્ડી જ્યોર્જને પદ છોડવા આદેશ, પેન્ટાગનમાં ખળભળાટ
અમેરિકા: આર્મી ચીફ જનરલ રેન્ડી જ્યોર્જને પદ છોડવા આદેશ, પેન્ટાગનમાં ખળભળાટ

અમેરિકા: આર્મી ચીફ જનરલ રેન્ડી જ્યોર્જને પદ છોડવા આદેશ, પેન્ટાગનમાં ખળભળાટ

0
Social Share

વોશિંગ્ટન, 3 એપ્રિલ 2026: રક્ષા મંત્રી પીટ હેગસેથ દ્વારા અમેરિકી સૈન્યના ટોચના નેતૃત્વમાં મોટા ફેરફારના સંકેત વચ્ચે એક સનસનાટીભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે. રક્ષા મંત્રીએ આર્મી ચીફ ઓફ સ્ટાફ જનરલ રેન્ડી જ્યોર્જને તાત્કાલિક અસરથી પદ છોડવા અને નિવૃત્ત થવાનો આદેશ આપ્યો છે. ઇરાન સાથે વધતા તણાવ અને વૈશ્વિક અસ્થિરતા વચ્ચે લેવાયેલા આ કડક નિર્ણયથી પેન્ટાગનમાં વહીવટી ઉથલપાથલની શક્યતાઓ તેજ બની છે.

પેન્ટાગનના પ્રવક્તા સીન પાર્નેલે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, “જનરલ રેન્ડી એ. જ્યોર્જ આર્મીના 41માં ચીફ ઓફ સ્ટાફના પદેથી તાત્કાલિક અસરથી નિવૃત્ત થઈ રહ્યા છે. સંરક્ષણ વિભાગ દેશ માટે તેમની દાયકાઓની સેવા બદલ આભાર વ્યક્ત કરે છે.”  જનરલ જ્યોર્જના સ્થાને હવે ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ જનરલ ક્રિસ્ટોફર લાનેવ કાર્યકારી આર્મી ચીફ તરીકેની જવાબદારી સંભાળશે. જ્યાં સુધી સેનેટ દ્વારા કાયમી ઉત્તરાધિકારીની પુષ્ટિ કરવામાં ન આવે ત્યાં સુધી લાનેવ આ પદ પર રહેશે.

જનરલ રેન્ડી જ્યોર્જે સપ્ટેમ્બર 2023માં કાર્યભાર સંભાળ્યો હતો. સામાન્ય રીતે ચાર વર્ષના કાર્યકાળમાંથી હજુ તેમનો દોઢ વર્ષનો સમય બાકી હતો. હેગસેથના નેતૃત્વમાં જ્યોર્જ પદ છોડનારા સૌથી વરિષ્ઠ સૈન્ય અધિકારી બન્યા છે. અહેવાલો મુજબ, જ્યોર્જની સાથે અન્ય બે જનરલોને પણ હટાવવામાં આવ્યા છે, જેઓ ટ્રેનિંગ અને ચૅપ્લેન્સી વિભાગમાં કાર્યરત હતા.

આ નિર્ણય બાદ અમેરિકી રાજકારણમાં વિરોધના સૂર ઉઠ્યા છે. કોંગ્રેસી સભ્ય યુજીન વિન્ડમેને આ પગલાની ટીકા કરતા કહ્યું કે,  “જનરલ રેન્ડી જ્યોર્જ એક શાનદાર સૈનિક છે. તે અત્યંત નિરાશાજનક છે કે રાષ્ટ્રપતિને ‘હા માં હા’ મિલાવે તેવો માણસ જોઈએ છે, જેના કારણે આવા સક્ષમ અધિકારીને સાઇડલાઇન કરવામાં આવ્યા છે. પ્રશ્નો સેક્રેટરી હેગસેથની નેતૃત્વ ક્ષમતા પર ઉઠવા જોઈએ, નહીં કે દેશની સેવા કરનાર અધિકારીઓ પર.”

રક્ષા મંત્રી પીટ હેગસેથ તાજેતરમાં એક અપાચે હેલિકોપ્ટર ક્રૂ સામેની તપાસમાં હસ્તક્ષેપ કરવા બદલ પણ વિવાદમાં રહ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, “કોઈ સજા નહીં, કોઈ તપાસ નહીં. દેશભક્તો, આગળ વધો.”  અમેરિકામાં આર્મી ચીફનું પદ અત્યંત મહત્વનું ગણાય છે, જે સૈન્યની તાલીમ અને ઓપરેશન્સ માટે જવાબદાર હોય છે. સામાન્ય રીતે આવા ફેરફારો લાંબી પ્રક્રિયા અને સેનેટની દેખરેખ હેઠળ થતા હોય છે, પરંતુ હેગસેથના આ ‘શોર્ટ-કટ’ આદેશે વહીવટી તંત્રમાં નવી ચર્ચા છેડી દીધી છે.

આ પણ વાંચોઃ ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના માલદામાં ન્યાયિક અધિકારીઓને બંધક બનાવવાની ઘટનાની તપાસ NIAને સોંપી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code