
કોંગ્રેસના અધ્યક્ષ માટે મે મહિનામાં યોજાશે ચૂંટણી, વર્કિંગ કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય
દિલ્હીઃ કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી નવા અધ્યક્ષને લઈને બેઠકોનો દોર ચાલી રહ્યો છે. બીજી તરફ રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ બનવાનો ઈન્કાર કરતા કોંગ્રેસના અધ્યક્ષને લઈને અટકળો વહેતી થઈ હતી. જો કે, કોંગ્રેસના અધ્યક્ષ પદે કોણ બિરાજશે તે ચૂંટણી દ્વારા નક્કી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે આગામી મે મહિનામાં કોંગ્રેસ પાર્ટી સંગઠનની ચૂંટણી કરશે.
પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. કોંગ્રેસ દ્વારા તત્કાલિન અધ્યક્ષ રાહુલ ગાંધીના વડપણ હેઠળ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. જો કે, આ ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો. જેની જવાબદારી રાહુલ ગાંધીએ સ્વિકારીને અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ સિનિયર નેતાઓના આગ્રહના કારણે નાદુરસ્ત તબિયત છતા સોનિયા ગાંધી કાર્યવાહક અધ્યક્ષની જવાબદારી સ્વિકારી હતી. દરમિયાન સાંસદ શશી થરુરની આગેવાની હેઠળ 23 સભ્યોએ સોનિયા ગાંધીને પત્ર લખીને કાયમી અધ્યક્ષ ચૂંટવાની અને પક્ષની આંતરિક ચૂંટણી કરવાની માગણી કરી હતી. બીજી તરફ કેટલાક સિનિયર નેતાઓ દ્વારા રાહુલ ગાંધીને અધ્યક્ષ માટે સમજાવવામાં આવ્યાં હતા. જો કે, રાહુલ ગાંધીએ અધ્યક્ષ બનવાનો ઈન્કાર કરી દીધો હતો. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના અધ્યક્ષને લઈને વિવિધ અટકળો વહેતી થઈ રહી છે. દરમિયાન કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીની વડપણમાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસના અધ્યક્ષ માટે ચૂંટણીનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકમાં સોનિય ગાંધીએ મોદી સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. કોરોના વેક્સિનેશન અભિયાન પર તેમણે જણાવ્યું હતું કે, અમને આશા છે કે સમગ્ર પ્રક્રિયા યોગ્યરીતે પૂરી થશે. કોરોના સંકટ દરમ્યાન સરકારની ખોટી નીતિઓએ ઘણું નુકશાન કર્યું છે. હવે આપણે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ કરવી છે તો સંગઠનની ચૂંટણી પર પણ ધ્યાન આપવું જોઈએ.