અમદાવાદ, 5 એપ્રિલ 2026: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફરી એકવાર ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. કસ્ટમ વિભાગની ટીમે બાતમીના આધારે સતર્કતા દાખવીને બેંગકોકથી ફ્લાઈટમાં આવેલા એક મુસાફરને અટકાવી તેની પાસેથી અંદાજે 1.10 કિલો હાઈબ્રીડ ગાંજો ઝડપી પાડ્યો છે. વિદેશી વેરાયટીનો આ હાઈબ્રીડ ગાંજો આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યંત મોંઘો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, આરોપી મુસાફર બેંગકોકથી વિયેટજેટ ફ્લાઈટ (VZ-750) દ્વારા અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો હતો. એરપોર્ટ પર સ્કેનિંગ અને ઈમિગ્રેશન પ્રક્રિયા દરમિયાન કસ્ટમ અધિકારીઓને મુસાફરની હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી. અધિકારીઓએ તેને અલગ લઈ જઈને સઘન પૂછપરછ અને તપાસ હાથ ધરી હતી.
ડ્રગ્સની હેરાફેરી માટે આરોપીએ અત્યંત ચાલાકી વાપરી હતી. મુસાફરની હેન્ડ બેગેજની તપાસ કરતા તેમાંથી શંકાસ્પદ પેકેટો મળી આવ્યા હતા. તપાસમાં ખુલ્યું કે, ડ્રગ્સની ગંધ ન આવે અને સ્કેનિંગમાં પકડાય નહીં તે માટે તેણે 4 સ્પેશિયલ વેક્યૂમ પેકેટ તૈયાર કર્યા હતા. આ પેકેટો ખોલતા તેમાંથી ઉચ્ચ ગુણવત્તાનો હાઈબ્રીડ ગાંજો મળી આવ્યો હતો, જે કસ્ટમ વિભાગે તુરંત જ જપ્ત કરી લીધો હતો.
પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે પકડાયેલો મુસાફર મહારાષ્ટ્રના ઉલ્હાસનગરનો રહેવાસી છે. કસ્ટમ વિભાગે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ (નારકોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ) હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. હાલમાં એ તપાસ કરવામાં આવી રહી છે કે આ ડ્રગ્સનો જથ્થો કોને પહોંચાડવાનો હતો અને આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે.
વધુ વાંચો: કચ્છની દરિયાઈ સરહદે હાઈ-એલર્ટ: મરીન કમાન્ડોનું સઘન પેટ્રોલિંગ


