તેલ અવીવ, 5 એપ્રિલ 2026: પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને પાંચ અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો છે ત્યારે સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો છે. ઈઝરાયેલી રક્ષા દળોએ ઈરાન અને લેબનોનમાં વ્યાપક સૈન્ય કાર્યવાહી હાથ ધરીને ઈરાનના 200 થી વધુ અને લેબનોનમાં હિઝબુલ્લાહના 140 મથકોને નિશાન બનાવ્યા છે. આ ઓપરેશનનો મુખ્ય હેતુ ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના સંરક્ષણ નેટવર્કને ધ્વસ્ત કરવાનો હતો.
ઈઝરાયેલી સેનાએ ઈરાનની અંદર અત્યંત વ્યૂહાત્મક ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. જેમાં આઈઆરજીસીના કેન્દ્રીય શસ્ત્ર ભંડાર અને વાયુ રક્ષા પ્રણાલીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, બેલેસ્ટિક મિસાઈલોના ઉત્પાદન, સંગ્રહ અને વિકાસ સાથે સંકળાયેલા પ્લાન્ટ્સ પર પણ હુમલાની પુષ્ટિ કરવામાં આવી છે. આ કાર્યવાહીથી ઈરાનની લાંબી અંતરની મારક ક્ષમતાને મોટો ફટકો પડ્યો છે.
લેબનોનમાં આઈડીએફ દ્વારા હિઝબુલ્લાહના ટોચના નેતૃત્વ અને વિશેષ દળો વિરુદ્ધ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. હુમલામાં હિઝબુલ્લાહના તાલીમ કેન્દ્રો અને હથિયાર લોન્ચિંગ સાઈટ્સને નષ્ટ કરવામાં આવી છે. આ ઉપરાંત હિઝબુલ્લાહના ખાસ ‘રદવાન ફોર્સ’ના મુખ્યાલય પર થયેલા સફળ હુમલાથી આ સંગઠનની કમાન્ડ રચનાને મોટો આંચકો લાગ્યો છે.
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પુષ્ટિ કરી છે કે આ હુમલાઓએ ઈરાનના ઔદ્યોગિક માળખાને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે. તેમણે જણાવ્યું કે ઈરાનની 70 ટકા સ્ટીલ ઉત્પાદન ક્ષમતા નષ્ટ થઈ ગઈ છે, જેથી આઈઆરજીસીને હથિયારો બનાવવા માટેના ભંડોળ અને કાચા માલથી વંચિત રાખી શકાય.
વડાપ્રધાન નેતન્યાહુએ આ કાર્યવાહીને એક મોટી સિદ્ધિ ગણાવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે અમેરિકી સાથીઓ સાથે મળીને તેઓ ઈરાનના આતંકવાદી શાસનને કુચલવાનું કામ ચાલુ રાખશે. નેતન્યાહુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈઝરાયેલ અને અમેરિકી સેના વચ્ચેના પૂર્ણ સમન્વયથી ઈરાનને નબળું પાડવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, “ઈરાની શાસન અત્યારે પહેલા કરતા વધુ નબળું છે, જ્યારે ઈઝરાયેલ પહેલા કરતા વધુ મજબૂત છે.”

