
ગુજરાતમાં વધુ 67 કૃષિ ઉદ્યોગ એકમોને 11 કરોડની સહાયનું કૃષિમંત્રી દ્વારા વિતરણ કરાયું
ગાંધીનગરઃ કૃષિ મંત્રી રાઘવજી પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં “સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ” હેઠળ નોંધાયેલ કૃષિ ઉદ્યોગ સાહસિકોને ઉદ્યોગની સ્થાપના માટે સહાય વિતરણ કરવાનો સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કૃષિ મંત્રીના હસ્તે સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ હેઠળ નોંધાયેલા નવા 67 જેટલા કૃષિ ઉદ્યોગકારોને સહાય હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા.
કૃષિ મંત્રીએ લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં કૃષિ ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકોને પૂરતું પ્રોત્સાહન, નાણાકીય સહાય મળે તેમજ કૃષિ ક્ષેત્રે મૂલ્યવર્ધનની તકોમાં વધારો થાય તેવા શુભ આશય સાથે રાજ્ય સરકારે વર્ષ-2016 માં “સર્વગ્રાહી કૃષિ વ્યવસાય યોજના”નો શુભારંભ કર્યો હતો. અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત કુલ 483 કૃષિ ઉદ્યોગ એકમોને આશરે રૂ. 328 કરોડથી વધુની કેપિટલ સહાય અને બેંકની મુદતી લોન ઉપર વ્યાજ સહાય ચૂકવવામાં આવી છે. જેમાં વધારો કરતા આજે મંજૂર થયેલા આશરે 67 જેટલા લાભાર્થીઓને રૂ. 11 કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે.
મંત્રી પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના ખેડૂતોની આવક બમણી કરવાનો નિર્ધાર કર્યો છે. જેને પરિપૂર્ણ કરવા માટે આ યોજના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આ યોજના અંતર્ગત કૃષિ ઉદ્યોગ સાહસિકોને મૂડી રોકાણ, વ્યાજ સહાય જેવા જુદા-જુદા ઘટકો માટે સહાય આપવામાં આવે છે. જે પૈકી મૂડી સહાય માન્ય સ્થાયી મૂડીરોકાણના 25 ટકા અને બેંકની મુદતી લોન પર 7.5 ટકા વ્યાજ સહાયની અરજીઓને પ્રાધાન્ય આપવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગકારોની લાગણીને વાચા આપીને ચાલુ વર્ષ 2023-24 માટે રૂ. 200 કરોડની બજેટ જોગવાઈ પણ કરવામાં આવી છે.
મંત્રીએ કૃષિ ઉદ્યોગ સાહસિકોનો ઉત્સાહવર્ધન કરતા કહ્યું હતું કે, ખેડૂતોને તેના ઉત્પાદનમાં વધારાનો લાભ તો જ મળે જો તેની ખેત પેદાશમાં મૂલ્યવર્ધન થાય, સારૂ માર્કેટીંગ થાય અને તેનો નિકાસ થાય. રાજ્ય સરકારે આ જ લક્ષ્યને ધ્યાનમાં રાખીને કૃષિ ક્ષેત્ર માટે કુલ રૂ. 21,605 કરોડની બજેટ જોગવાઈ કરી છે. સમગ્ર વિશ્વમાં ચાલુ વર્ષને “ઇન્ટરનેશનલ યર ઓફ મીલેટ” તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, અને ગુજરાતના અનેક ખેડૂતો પણ જુવાર, બાજરો, રાગી, રાજગરો, બાવરો જેવા મીલેટનું ઉત્પાદન કરે છે. મીલેટ ઉત્પાદન કરતા આવા ખેડૂતોની આવક બમણી કરવા મીલેટ પ્રોસેસીંગ માટેની નવી ટેકનોલોજી અપનાવીને વધુમાં વધુ નવા કૃષિ ઉદ્યોગો પ્રસ્થાપિત કરવા મંત્રીએ સૌને અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેક્ટર ડી. એચ. શાહ, ગોપકા સંસ્થાના નિયામક સહિતના અધિકારીશ્રીઓ અને રાજ્યા વિવિધ વિસ્તારોમાંથી પધારેલા કૃષિ ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા.