અહેવાલ અને તસવીરોઃ રોહિત શાહ
ગ્રામ્ય વિરાસતની શૈલી ધરાવતી, અમદાવાદની વિશાલા હોટલનો સ્થાપનાદિવસ 27મી માર્ચ છે. આ તારીખે વિશ્વ રંગભૂમિ દિવસ પણ હોવાથી, વિશાલા તથા વિચાર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે છેલ્લાં 14 વર્ષથી રંગભૂમિ સાથે સંકળાયેલા વિવિધ કલાકારોને પોંખવાનો અને પુરસ્કૃત કરવાનો કાર્યક્રમ યોજાય છે.
આ અંતર્ગત 27 માર્ચ 2026ના રોજ હોટલ વિશાલાના પ્રાંગણમાં, નવ પ્રૌઢ નાટ્યકર્મીઓ અને બે યુવા કલાકારોને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. પ્રૌઢ કલાકારોમાં કિરણ જોશી, અદિતી દેસાઈ, ડાયના રાવલ, કિરણ ભટ્ટ, વિજય રાવલ, કપિલદેવ શુક્લ, શેતલ રાજડા, પરેશ શુક્લ અને જનક રાવલને તથા યુવા કલાકારોમાં નીલ સોની અને પ્રિયલ પારેખને સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન જય શાહના મુખ્ય મહેમાનપદે, આયોજિત આ સમારોહ ગુજરાતી થિયેટરના ઉત્કૃષ્ટ કલાકાર રાજુ બારોટની સ્મૃતિરૂપે યોજાયો હતો. કાર્યક્રમના મુખ્ય આયોજક વિશાલા હોટલના માલિક સુરેન્દ્ર પટેલ હતા. કાર્યક્રમનું સંચાલન જિતેન્દ્ર ઠક્કરે કર્યું હતું.
આ પણ વાંચોઃ સુપ્રસિદ્ધ વિદુષી અરુણાબા જાડેજાએ વિદ્યાપીઠમાં અનુવાદ પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપ્યું
કાર્યક્રમના પ્રારંભે રાજુ બારોટે ભૂતકાળમાં સુરેન્દ્ર પટેલ સાથે કરેલો ઇન્ટરવ્યૂ બતાવવામાં આવ્યો હતો. એમાં સુરેન્દ્રભાઈએ વિશાલા હોટલમાં તાંબા-પિત્તળનાં વાસણોનું જે મ્યુઝિયમ બનાવ્યું છે એની રોમાંચક ઝલક રસપ્રદ શૈલીમાં રજૂ કરી હતી. ત્યારબાદ ગાયક કલાકારો હર્ષદીપ જાડેજા, પ્રિયંક ઉપાધ્યાય, કમલેશ ચૌહાણ, મોસમ મહેતા, મલ્કા મહેતા, જિગર શાહ, નીતા પટ્ટણી, મિત ખત્રી, નિધિ જોષી, શુભમ ચૌહાણ, તરુણ યોગી, દેવાંગ ચૌહાણ વગેરે દ્વારા રંગભૂમિનાં જૂનાં ગીતો રજૂ કરવામાં આવ્યાં હતાં.
એમાં ‘જૂઠણનો વેશ’ પ્રિયંક ઉપાધ્યાયે અદભુત રીતે રજૂ કર્યો હતો. ‘તું તો છોડી દે આવાં તોફાન…’ ગીત નિધિ જોષી અને શુભમ ચૌહાણે છટાદાર હાવભાવ સાથે રજૂ કર્યું હતું. ‘મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા…’ ગીતની મોસમ મહેતા અને મલ્કા મહેતાએ તથા ‘પ્રેમીને પ્રેમી કોઈ પૂછે…’ ગીતની જિગર શાહ અને પ્રિયંક ઉપાધ્યાયે સુંદર અભિવ્યક્તિ કરી હતી.

આ કાર્યક્રમ દ્વારા એટલું તો પુરવાર થયું કે, જૂની રંગભૂમિ અત્યંત દમદાર હતી અને આજના યુગમાં પણ એ પ્રભાવક પુરવાર થઈ શકે એમ છે. આ માટે કાર્યક્રમના આયોજક આદરણીય સુરેન્દ્રભાઈ પટેલને વિશેષ અભિનંદન.
(લેખક ગુર્જર સાહિત્ય પ્રકાશન સંસ્થામાં સંપાદક છે)


