ક્રીડા ભારતી અખિલ ભારતીય અધિવેશમાં દેશભરમાંથી 1200 કાર્યકર સામેલ થશે
અમદાવાદ, 25 ડિસેમ્બર, 2025ઃ Krida Bharati All India Conference રમતગમત દ્વારા ચારિત્ર્ય નિર્માણ, ચારિત્ર્ય દ્વારા રાષ્ટ્ર નિર્માણના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે, ક્રીડા ભારતી દેશમાં ‘સશક્ત ભારત, સક્ષમ ભારત’ બનાવવાના ઉદ્દેશ્ય સાથે કાર્ય કરી રહી છે. આ ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે, રમતગમત દ્વારા સમાજના દરેક વ્યક્તિને જોડવા, સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને તેમને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓથી પ્રેરિત કરવા માટે ક્રીડા ભારતી સતત સક્રિય છે. આ કાર્યને સિદ્ધ કરવા માટે, ક્રીડા ભારતી દર ત્રણ વર્ષે રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરે છે. જેમાં આવનારા ત્રણ વર્ષ માટે રમત ક્ષેત્ર અને રમતવીરો માટે કેવા પ્રકારની નીતિઓ હોવી જોઈએ તે અંગે ચર્ચા અને ચિંતન કરે છે.
ગુજરાત પ્રદેશ માટે આ આનંદની ક્ષણ છે કે આ વર્ષે રાષ્ટ્રીય અધિવેશન ગુજરાત, કર્ણાવતીમાં યોજાઈ રહ્યું છે. તારીખ ૨૬મી થી ૨૮મી ડિસેમ્બર, ૨૦૨૫ દરમિયાન શ્રી કલ્કિ તીર્થધામ, પ્રેરણાપીઠ, પીરાણા માર્ગ, ગિરમાથા, કર્ણાવતી, ગુજરાત ખાતે ભારતભરના ક્રીડા ભારતીના રાષ્ટ્રીય અને પ્રાંત સ્તરના પ્રમુખ કાર્યકર્તા કર્ણાવતીના અતિથી બનશે.
ભારતના કુલ ૪૫ પ્રાંતના ૧૨૦૦થી વધુ ક્રીડા ભારતીના કાર્યકરો આ અધિવેશનમાં જોડાશે. જેમાં કાશ્મીરથી કન્યાકુમારી અને ઉત્તર પૂર્વીય રાજ્યોના કાર્યકર્તાઓ મનોમંથન અને ક્રીડા ભારતી દ્વારા સ્વસ્થ સમાજનાં નિર્માણ અંગે ચર્ચા-વિચારણા કરાશે. આ કાર્યક્રમમાં કુલ ૧૦૦૦ થી વધુ ભાઈઓ અને ૨૦૦થી વધુ બહેનો વિવિધ જીલ્લા અને રાજ્યમાં જોડાશે.
તારીખ ૨૬ ડિસેમ્બર ૨૦૨૫, શુક્રવારના સવારે ૦૯:૦૦ વાગે અધિવેશનના ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ અતિથી તરીકે ઓલિમ્પિક ખેલાડી ગોપાલ સૈની- પ્રમુખ, ક્રીડા ભારતી, ચૈતન્ય કશ્યપ- કાર્યકારી અધ્યક્ષ, ક્રીડા ભારતી, (કેબીનેટ મંત્રી, મધ્ય પ્રદેશ રાજ્ય), રાજ ચૌધરી, મહામંત્રી, ક્રીડા ભારતી, અને વિવેકભાઈ પટેલ –અધ્યક્ષ ગુજરાત પ્રદેશ, ક્રીડા ભારતી, કાર્યક્રમમાં સામેલ થશે.
ઉદઘાટન સત્ર દરમિયાન, ક્રીડા જ્યોત – ખેલ વિશ્વ સાથે જોડાયેલા વિવિધ પાસા ઉપરના ગહન અધ્યન અને લેખોના પુસ્તકનું વિમોચન મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે. ત્યાર બાદ ત્રણ દિવસના અધિવેશન માં ખેલ જગત અને તેની સાથે સંકળાયેલા વિવિધ આયામોમાં ક્રીડા ભારતી દ્વારા ચિંતન અને મંથન થશે.


