
નવી દિલ્હીઃ સાઉદી અરેબિયામાં આ વર્ષે ભારે ગરમીના કારણે મોટી સંખ્યામાં હજ યાત્રીઓએ જીવ ગુમાવ્યા છે. રવિવારે સાઉદી અરેબિયા દ્વારા આ સંબંધમાં માહિતી આપવામાં આવી હતી કે, આ વર્ષે હજ યાત્રા દરમિયાન ઓછામાં ઓછા 1301 લોકોના મોત થયા છે. ભારે ગરમીના કારણે મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા હતા. ગયા સોમવારે મક્કામાં તાપમાન 51.66 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મૃતકોમાં 98 ભારતીય મુસાફરોના પણ મોત થયા છે. ઇજિપ્તવાસીઓ સૌથી વધુ મૃત્યુ પામ્યા.
- મૃત્યુ પામેલા 83 ટકા લોકો હજ કરવા માટે અનધિકૃત હતા
સાઉદી અરેબિયાની સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર આ વર્ષે ભારે ગરમીએ આરોગ્ય તંત્રને અસર કરી છે. દુર્ભાગ્યે, આ સમયગાળા દરમિયાન 1,301 લોકો મૃત્યુ પામ્યા. સાઉદી અરેબિયાના આરોગ્ય પ્રધાન ફહદ બિન અબ્દુર્રહમાન અલ-જલાઝેલના જણાવ્યા મુજબ, મૃત્યુ પામેલા લોકોમાંથી 83 ટકા લોકો હજ કરવા માટે અનધિકૃત હતા અને પર્યાપ્ત આશ્રય અથવા આરામ વિના સીધા સૂર્યપ્રકાશમાં લાંબા અંતર સુધી ચાલતા હતા. મૃતકોમાં વૃદ્ધ અને લાંબા સમયથી બીમાર લોકોનો પણ સમાવેશ થાય છે. ઓળખ પ્રક્રિયામાં વિલંબ થયો હતો કારણ કે મૃત્યુ પામેલા લોકો પાસે અધિકૃત દસ્તાવેજો નહોતા પરંતુ હવે તમામ મૃતકોની ઓળખ થઈ ગઈ છે.
મંત્રી અલ-જલાઝેલના જણાવ્યા અનુસાર, 95 હજ યાત્રીઓની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે, જેમાંથી કેટલાકને સારવાર માટે રાજધાની રિયાધમાં એરલિફ્ટ કરવામાં આવ્યા છે. તેમણે કોઈ વિગતો આપ્યા વિના કહ્યું કે મૃતકોને મક્કામાં દફનાવવામાં આવ્યા છે.
આ વર્ષે સાઉદી અરેબિયાના પ્રશાસને સમગ્ર વિશ્વમાંથી 18 લાખ લોકોને હજ માટે આવવાની મંજૂરી આપી હતી. જેમાં સેંકડો હજયાત્રીઓએ ભાગ લીધો હતો જેમને હજ માટે લાઇસન્સ આપવામાં આવ્યા ન હતા. જેના કારણે તેમને હજયાત્રીઓ જેવી સુવિધા મળતી નથી. આવી સ્થિતિમાં તેઓ ખુલ્લા આકાશમાં રહેવા મજબૂર બન્યા હતા. આ ઉપરાંત, તેઓને સત્તાવાર રીતે હાજીઓને લઈ જતી બસોમાં મુસાફરી કરવાનો લાભ પણ મળ્યો નથી. જેના કારણે આ લોકો ગરમીનો શિકાર બન્યા હતા અને અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા.
- 75 હજાર ભારતીય હજયાત્રીઓ હજ કરવા માટે સાઉદી અરેબિયા પહોંચ્યા હતા
બીજી તરફ ભારતીય વિદેશ મંત્રાલયે આ અંગે જણાવ્યું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ 1 લાખ 75 હજાર ભારતીય હજયાત્રીઓ હજ કરવા માટે સાઉદી અરેબિયા પહોંચ્યા છે, જેમાંથી 98 લોકોના મોત થયા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે હજ યાત્રા દરમિયાન 187 ભારતીય નાગરિકોના મોત થયા હતા.