
અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઇ પટેલ ડોમેસ્ટિક એરપોર્ટ પર દિનપ્રતિદિન વઘી રહેલા પેસેન્જરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને ટુંક સમયમાં એરપોર્ટની કાયાપલટ કરવામાં આવશે. દેશના અન્ય એરપોર્ટની જેમ અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો સરળતાથી આવનજાવન કરી શકે તે માટે ફલોર મુજબ ઉપરની બાજુએ ડિપાર્ચર અને નીચેની બાજુએ એરાઇવલ એરિયા ઊભો કરાશે. જે સંલગ્ન ડોમેસ્ટિક એરપોર્ટ આવનારા સમયમાં કેવુ લાગશે તેની એક બ્લુપ્રિન્ટ ડિઝાઇન પણ તૈયાર કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે.
અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર સૌથી વધુ પ્રવાસીઓનો ટ્રાફિક જોવા મળી રહ્યો છે. ત્યારે ડોમેસ્ટિક એરપોર્ટ પર પ્રતિદિન 150થી વધુ ફલાઇટોના સંચાલનમાં 20 હજાર મુસાફરોની આવનજાવન છે. હવે કોરોના ઓસરી જતાં આગામી સમયમાં ડોમેસ્ટીક મુસાફરોની સંખ્યામાં બમણો વધારો થશે. આવી સ્થિતિને પહોંચી વળવા આગામી બે-ત્રણ વર્ષમાં ડોમેસ્ટિક એરપોર્ટનું ચિત્ર બદલી નાંખવા નવા પ્લાન સહિતની કામગીરી શરૂ કરી દેવાઇ છે. હાલમાં ટર્મિનલ-3 ડોમેસ્ટિક કાર્ગો માટે બનાવાયુ છે તે આગામી સમયમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લઇ જવાશે આ કાર્ગો ટર્મિનલને હાલના ડોમેસ્ટિક સાથે મર્જ કરી લંબાવવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ સરદાર પટેલ એરપોર્ટ પર હાલમાં ચાર એરોબ્રિજના બદલે નવા 15 એરોબ્રિજ બનાવાશે. એરપોર્ટ પર આવનારી મેટ્રોને ટર્મિનલ સાથે કેવી રીતે લીન્ક કરવી તેનુ ખાસ ધ્યાન રાખી મુસાફરો માટે નવા ગેટનું પણ નિર્માણ થશે. આ નવા ફેરફારો સાથે ટર્મિનલ આગામી વર્ષ 2024-25 સુધી મુસાફરો માટે શરૂ કરી દેવાનું આયોજન છે.હાલમાં ડોમેસ્ટિક ટર્મિનલમાં જગ્યા ઊભી કરવી એક ચેલેન્જ હોવાથી થોડા સમય પહેલા એરલાઇન કંપનીઓની ઓફિસો ખસેડી ઉપર લઇ જવામાં આવી હતી.
આ ઉપરાંત ટર્મિનલમાં ચેકઇન કાઉન્ટર વધારવા સહિત સિક્યોરિટી એરિયામાં જોઇએ તેટલી જગ્યાનો અભાવ હોવાથી પીકઅવર્સમાં મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડે છે. સિક્યોરિટી એરિયામાં મેટલ ડિટેક્ટર ગેટ સહિત એક્સ-રે સ્ક્રીનીંગ પણ વઘારવામાં આવશે પરંતુ ટર્મિનલમાં ખાસ કરીને સિક્યોરિટી ચેક ઇનમાં લાગતી લાંબી લાઇનોને કારણે સ્પાઇસજેટ અને વિસ્તારાની ડોમેસ્ટિક એરલાઇનોને ઇન્ટરનેશનલ ટર્મિનલ પરથી ઓપરેટ કરવા નક્કી કરાયુ છે.જેથી ડોમેસ્ટિક ટર્મિનલમાં પ્રતિદિન 38 જેટલી ફલાઇટોનું ભારણ ઘટશે. ટર્મિનલમાં ખાલી જગ્યાનો ઉપયોગ કરાશે જરૂર જણાશે ત્યાં તોડફોડ કરી રિફરબીશમેન્ટ કરવા ટેન્ડર બહાર પાડવામાં આવશે.