
અમદાવાદઃ રાજ્યભરના 17000 જેટલા સસ્તા અનાજના દુકાનદારો હડતાલ પર ઉતર્યા છે. વાજબી ભાવના દુકાનદારો અલગ અલગ પ્રશ્નોની રજૂઆત છેલ્લા કેટલાય સમયથી કરી રહ્યા છે, પરંતુ સરકાર તરફથી કોઈ સકારાત્મક જવાબ ન મળતા નથી આખરે હડતાળનો માર્ગ અપનાવ્યો છે. વાજબી ભાવના દુકાનદારોની હડતાળથી રેશનિંગ મેળવતા ગરીબ પરિવારોને મુશ્કેલી પડી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના રેશનિંગના દુકાનદારો પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે અનેકવાર સરકારમાં રજુઆત કરી ચૂંક્યા છે.પરંતુ પ્રશ્નોનો કોઈ ઉકેલ ન આવતા આખરે હડતાળનો માર્ગ અપનાવ્યો છે. સસ્તા અનાજના દુકાનદારોની માંગણી છે. કે, રેશનિંગના દુકાન ધારકોને 25000 વેતન નક્કી કરી દેવામાં આવે. એક દુકાનદાર પાસે સરેરાશ 100 થી 150 કાર્ડ ધારકો હોય છે તેમાં તેઓને 10 થી 15 હજારનો નફો થતો હોય છે. તેની સામે ખર્ચ 10 થી 12 હજાર થતો હોય છે જેથી તેઓને કંઈ વધતું નથી હોતું તેથી તેઓની માગ છે કે તેઓને 25000 ફિક્સ વેતન કરી દેવામાં આવે.સરકાર દ્વારા સસ્તા અનાજના દુકાનદારોને કોરોના વોરિયર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા જેથી કોરોના કાળમાં જે દુકાનદારો મૃત્યુ પામ્યા છે તેમને સહાય પહોંચાડવામાં આવે. તેઓનો આક્ષેપ છે કે એક પણ મૃતકના પરિવારને સરકારી સહાય નથી મળી, જેથી તેમના જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બન્યું છે.
આ ઉપરાંત વારંવાર સર્વરમાં ખામી સર્જાય છે જેથી વેપારીઓ અને ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અનાજનો જથ્થો આવે છે, તેમાં પણ વારંવાર ઘટ આવે છે, જેથી દુકાન ધારકોને નુકસાન વેઠવું પડે છે. આ તમામ માંગણીઓનું નિવારણ લાવવા દુકાનદારોએ સરકાર પાસે માંગણી કરી છે અને જ્યાં સુધી તેમની માંગણીઓનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી તેઓ હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. મહત્વનું છે કે દુકાનદારો અને સરકાર વચ્ચેની લડાઈમાં ગરીબ કાર્ડ ધારકોને અનાજ વગર રહેવું પડે છે.