રાજકોટ જિલ્લાના 27 ડેમમાં નવી નીરની આવક, ભાદર-2 ડેમ ઓવરફ્લો, 37 ગામોને એલર્ટ કરાયાં
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં સારા વરસાદને કારણે જળાશયોમાં નવા નીર આવ્યા છે. છેલ્લા પાંચ દિવસથી રાજકોટ શહેર અને જિલ્લાને મેઘરાજા ધમરોળી રહ્યા છે. તેમજ ઠેર ઠેર સારો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે પણ આગામી સોમવાર સુધી સમગ્ર રાજ્યમાં વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે. રાજકોટ જિલ્લાને યલો એલર્ટ અપાયું છે. ત્યારે કલેક્ટરે જણાવ્યું હતું કે, સારા વરસાદથી આખા જિલ્લામાં જળ સંકટ હળવું થયું છે અને 27 ડેમોમાં 35 ટકા નવા નીરની આવક થઈ છે. ભાદર-2 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. આથી નદી કાંઠાના 37 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.
રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુનાં જણાવ્યા મુજબ, છેલ્લા પાંચ દિવસમાં થયેલા ખૂબ જ સારા વરસાદને લઈને શહેર અને જિલ્લાનાં 27 ડેમમાં 35 ટકા નવા નીરની આવક થતા જળસંકટ ઘણું હળવું થયું છે. આગામી દિવસોમાં વરસાદનાં આવા જ વધુ ત્રણ-ચાર રાઉન્ડ આવી જશે તો જળ સંકટ સંપૂર્ણપણે દૂર થવાની શક્યતા છે. સારા વરસાદથી હાલ અનેક ડેમોમાં નવા નીરની સતત આવક થઇ રહી છે. જ્યારે જામકંડોરણામાં તૂટી ગયેલા પુલ અંગે તેમણે કહ્યું હતું કે, આ પુલનું નિર્માણ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં આ પુલ પૂર્વવત કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાદર ડેમની કુલ સપાટી 53.10 મીટર છે અને હાલ 51.30 મીટર ભરાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં 3362 ક્યુસેક પાણીની આવક ચાલુ હોવાથી ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. જેને લઈને ડેમ હેઠળ આવતા ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા ઉપરાંત પોરબંદર તાલુકાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે સાથે ભારે વરસાદની સ્થિતિને લઈને ફોફળ નદીમાં શુક્રવારે સાંજ સુધીમાં પાણી છોડવામાં આવનાર હોય નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતા. તેમજ ‘પાણી પહેલા પાળ’ કહેવતની માફક જ ભારે વરસાદની સ્થિતિ સર્જાય તેના પહેલા તમામ કામગીરી કરવામાં આવી રહી હોવાનું પણ તેમણે કહ્યું હતું.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

