 
                                    સુરતના સચિન વિસ્તારમાં બેન્કમાં થયેલી 13.26 લાખની લૂંટના કેસમાં 4 આરોપીઓ યુપીથી પકડાયા
સુરત: શહેરના સચિન વિસ્તારમાં આવેલા વાંજ ગામની બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં ગઈ તા. 11મી ઓગસ્ટના રોજ ધોળા દ’હાડે બુકાની અને હેલ્મેટધારી લૂટારૂઓ ત્રાટક્યા હતા. અને બંદૂકની અણિએ રૂપિયા 13.26 લાખની લૂંટ કરીને પલાયન થઈ ગયા હતા. આ કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાતા ચાર આરોપીઓને પકડવામાં મોટી સફળતા મળી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના રાયબરેલી ખાતેથી પિસ્તોલ તેમજ રોકડા રૂપિયા સાથે આરોપીઓને ઘટનાના ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા હતા અને આરોપીઓ પાસેથી હથિયાર પર કબજો લેવામાં આવ્યું છે.
આ કેસની વિગતો એવી હતી કે, ગઈ તા. 11 ઓગસ્ટ 2023ના રોજ ધોળા દહાડે સુરતના સચિનના વાંજ ગામમાં આવેલી બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં 5 હેલ્મેટધારી લૂંટારૂ શખસો ત્રાટક્યા હતા. અને તમંચા જેવા હથિયારોથી ધમકી આપીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારબાદ સચિન પોલીસ દ્વારા CCTV ફૂટેજના આધારે ગુનો દાખલ કરીને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ પણ આ લૂંટારુંઓને પકડવામાં કામે લાગી હતી. પોલીસને ઘટનાના દિવસે આરોપીઓએ ભાગવામાં ઉપયોગમાં લીધેલી એક રિક્ષા અને બાઈક મળી આવ્યુ હતું. ત્યારબાદ આ મામલે ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી હતી. ઘટનાના છ દિવસ બાદ લૂંટ ચલાવનાર આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. ક્રાઈમ બ્રાન્ચને યુપીથી પાંચ પૈકી મુખ્ય આરોપી સહિત ચાર આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, લૂંટ કરવા પહેલા પાંચ દિવસ આ સમગ્ર વિસ્તારની રેકી કરી હતી. બાદમાં મોટર સાયકલની ચોરી કરી લૂંટ કરવા પહોંચ્યા હતા. પોલીસે બેંક લૂંટનાર અરબાઝખાન શાનમોહમ્મદખાન ગુર્જર, વિપિનસિંગ સોમેન્દ્રસિંગ ઠાકુર, અનુજપ્રતાપસિંગ ઠાકુર અને ફુરકાન અહેમદ મોહમ્મદ સેફ ગુર્જરને ઝડપી પાડી મોટી સફળતા મેળવી હતી.
સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે, આ સમગ્ર લૂંટ પ્રકરણમાં આરોપી સુધી પહોંચવા સુરત ક્રાઈમ બ્રાન્ચ અને જુદી જુદી પોલીસે ખૂબ જ મહેનત કરી હતી. જેમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને સફળતા મળી છે. તેમની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, લૂંટની આ સમગ્ર ઘટનાને અંજામ આપનારો મુખ્ય આરોપી વિપિનસિંગ ઠાકુર હોવાનું સામે આવ્યું હતું. વિપિનસિંગ ઠાકુર ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાનો રહેવાસી છે. તે છૂટક સાડીઓના વેચાણનો ધંધો કરતો હતો. જેને લઇ અવારનવાર સુરત આવવાનું થતું હોવાથી તે સુરતની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ હતો. આ દરમિયાન સુરતમાં આવી પલસાણા વિસ્તારમાં ભાડે રહેતો હતો. ત્યાર બાદ સુરતમાં જુદા-જુદા વિસ્તારોની મુલાકાત લઇ લૂંટની ઘટના માટેની રેકી કરી હતી. આ દરમિયાન નાના એવા વાંજ ગામમાં આવેલી બેંક ઓફ મહારાષ્ટ્રમાં બેંકની પાંચ દિવસ સુધી રેકી કર્યા બાદ લૂંટની ઘટનાને અંજામ આપવાનો પ્લાન તૈયાર કરાયો હતો. સુરતમાં લૂંટની ઘટનાને અંજામ આપવા માટે વિપિનસિંગે રાયબરેલી ખાતે રહેતા અન્ય ચાર મિત્રોને સુરત બોલાવ્યા હતા અને સુરતમાં લૂંટ કરવા જણાવ્યું હતું. જેને લઇ લૂંટની ઘટનાને અંજામ આપવા કડોદરા તેમજ ભેસ્તાન વિસ્તારમાંથી બે બાઈકની ચોરી કરી હતી. ત્યાર બાદ સુરત જિલ્લાના ચલથાણ ખાતે આવેલી જ્વેલર્સની દુકાન લૂંટવાનો પ્લાન તૈયાર કરાયો હતો અને અવારનવાર રેકી પણ કરી હતી, પરંતુ માણસોની અવરજવર વધારે હોવાથી પ્લાન નિષ્ફળ ગયો હતો. ત્યાર બાદ સચિનના વાંજ ગામેથી પસાર થતા રસ્તામાં બેંક ઓફ મહારાષ્ટ્ર જોવા મળી હતી. ત્યાર બાદ બેંકને લૂંટવાનું નક્કી કરાયું હતું.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

