
અમદાવાદઃ શહેરના મણિનગર વિસ્તારમાં સ્વામિનારાયણ કોલોનીમાં નવી બનતી કન્સ્ટ્રક્શન સાઇટ પર એકાએક ભેખડ ધસી પડતા ચાર શ્રમિકો દટાયા હતા. બનાવની જાણ થતાં જ આજુબાજુના રહિશો દોડી આવ્યા હતા. અને એક શ્રમિકને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. દરમિયાન આ બનાવની જાણ કરતા ફાયર બ્રિગેડના કાફલાએ ઘટના સ્થળે દોડી જઈને માટીમાં દટાયેલા વધુ ત્રણ શ્રમિકોને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં એક શ્રમિકનું મોત નિપજ્યું હતું.
શહેરના મણિનગર વિસ્તારમાં સ્વામિનારાયણ કોલોનીમાં એક નવી કન્સ્ટ્રકશન સાઈટનું કામ ચાલી રહ્યું છે. જેનું ખાદકામ ચાલતું હતું ત્યારે ભેખડ એકાએક ધસી પડતા ચાર શ્રમિકો દબાયા હતા. અને બુમાબુમ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. બનાવની જાણ થતા જ ફાયરબ્રિગેડની 4 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી, પરંતુ તે પહેલા જ સ્થાનિકોએ એક મજૂરને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બાદમાં ફાયરબ્રિગેડની ટીમે ત્રણ મજૂરોને બહાર કાઢી એલ.જી. હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન એક મજૂરનું મોત અને ત્રણની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.
ફાયરબ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના મણિનગર વિસ્તારમાં સ્વામિનારાયણ કોલોનીમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર બાંધકામ ચાલતું હતું. બપોરે 11:30 વાગ્યાની આસપાસ મજૂરો કામ કરતા હતા ત્યારે ભેખડ ધસી પડી હતી. જેમાં કુલ ચાર મજુરો દટાયા હતા. આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક દોડી ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેમાં એક વ્યક્તિને સ્થાનિક લોકોએ તાત્કાલિક બહાર કાઢી લીધો હતો જ્યારે શાંતિબેન પાયલબેન અને ચિરાગ નામના ત્રણ મજૂરોને ફાયરબ્રિગેડની ટીમ દ્વારા બહાર કાઢી બેભાન અવસ્થામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.