સુરતઃ ઉનાળાની ગરમીમાં મીઠીં મધૂર ગણાતી કેરીની પણ સીઝન હોવાથી લોકો કેરી આરોગતા હોય છે. કેરીની વિવિધ 43 જેટલી જાત છે. અને દરેક કેરીનો સ્વાદ અલગ હોય છે. સુરત શહેરમાં નાયબ બાગાયત નિયામક કચેરી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે અઠવાની પનાસ સ્થિત બાયોટેક્નોલોજી કોલેજ ખાતે એક દિવસીય કેરી પ્રદર્શન અને હરિફાઈ સાથે પરિસંવાદ યોજાયો હતો. જેમાં 43થી વધુ જાતની વિવિધ કેરીઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. તેમજ 9 વિદેશી જાતની કેરી સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી.
સુરત ખાતે યોજાયેલા કેરી પ્રદર્શનમાં રાજ્યના 83 ખેડૂતોએ 98 થી વધુ કેરીના વિવિધ જાતોના નમૂનાઓ પ્રદર્શિત કર્યા હતા. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે પસંદગી પામેલા ખેડૂત ઉત્પાદકોને શ્રેષ્ઠ જાતની કેરી પકવવા બદલ સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે નાયબ બાગાયત નિયામક ડી.કે.પડાલિયાએ જણાવ્યું હતું કે, ફળનો રાજા એટલે કેરી, તેના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમ ધરાવે છે. વિશેષત: રાજ્યની કેસર, હાફુસ અને રાજાપુરી કેરી તેના સ્વાદ, સુગંધ માટે જગવિખ્યાત છે. 22 વર્ષ પહેલાં વર્ષ 2001માં નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા હાફૂસ અને બનેસાન કેરીનું ક્રોસ બ્રિડીંગ કરીને ‘સોનપરી’ નામની નવી કેરીની જાતનું સંશોધન કર્યું હતું. તેની આજે વિશ્વમાં ઘણી માગ છે. ખેડૂતોએ કેરીના બગીચાઓનું સંવર્ધન અને ઉછેર સમયે કાળજી રાખવા ઉપરાંત સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવો હિતાવહ છે.
નવસારી યુનિવર્સિટીના આસિ.પ્રોફેસર ડો.બી.એમ.ટંડેલે ક્લાઈમેટ ચેન્જને કારણે આંબાવાડીઓ ધરાવતા ખેડૂતો સામેના પડકારોને વર્ણવતા કહ્યું કે, આંબાના વાવેતર અને ફ્લાવરથી લઈને કેરીના પાક સુધી રાખવામાં આવતી તકેદારી વધારવી જરૂરી છે. હવે કેરીનું સારુ ઉત્પાદન જોઈએ તો ખેડૂકોએ બેગિંગ(કેરીના મોર આવે ત્યારબાદ દરેક કેરી ઉપર કાગળની થેલી બાંધવી) કરવાથી ઘણો ફાયદો થઈ શકે છે.
સુરતમાં યોજાયેલા કેરીના પ્રદર્શનમાં વિદેશી નવ જાતની કેરી જેમાં કેસિન્ગટન, લીલી, ટોમી એટકીન્સ, ઈઝરાઈલ હાઈબ્રીડ, કેઈટ, પાલ્મર, કિંગફોન, માયા અને ઓસ્ટીન આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ઉપરાંત સોનપરી પણ મુખ્ય આકર્ષણ રહી હતી.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

