
મુંદ્રાથી બાડમેર સુધીની 487 કિ.મીની ક્રુડ-ઓઈલની પ્રદુષણ નિયંત્રણ બોર્ડની લીલીઝંડી
ભૂજઃ ગુજરાતમાં પ્રસિદ્ધ એવા ઘુડખર અભ્યારણ્યમાંથી પસાર થતી કચ્છ થી બાડમેર સુધીની ક્રુડ ઓઇલ પાઇપલાઇન યોજનાને રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે લીલીઝંડી આપી દીધી છે. બોર્ડનું માનવું છે કે આ પાઇપલાઇનના કારણે અભ્યારણ્યને કોઇ હાનિ થવાની સંભાવના નથી. જાહેર સુનાવણીમાં પણ કોઇએ આ યોજના અંગે વાંઘો ઉઠાવ્યો નથી. રાજસ્થાનના બાડમેર સ્થિત એચપીસીએલની રિફાઇનરી માટે કચ્છના મુંન્દ્રા સ્થિત અદાણી પોર્ટ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન મારફતે ક્રુડ ઓઇલ આયાત કરવામાં આવનાર છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે 487 કિલોમીટર લાંબી પાઇપલાઇન યોજના માટે જાહેર સુનાવણી હાથ ધરી હતી જેમાં કોઇ વ્યકિત કે સંસ્થા દ્વારા વાંઘાજનક મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા નહતા.
કચ્છમાં ઘુડખર અભ્યારણ્ય આવેલું છે અને આ અભ્યારણ્યમાંથી રાજસ્થાન જતી પાઇપલાઇન પસાર થવાની છે. સુનાવણી બાદ એવું સામે આવ્યું છે કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આ પ્રોજેકટથી કોઇ આપત્તિ નથી. એચપીસીએલ રાજસ્થાન રિફાઇનરી લિમિટેડ કંપની બાડમેર જિલ્લામાં 9એમએમટીપીએની રિફાઇનરી સેટઅપ કરે છે જેને બીજા તબક્કામાં 18 એમએમટીપીએ સુધીની ક્ષમતા સુધી લઇ જવાની છે. 2013માં સ્થપાયેલી આ કંપની એચપીસીએલ અને રાજસ્થાન સરકારનું સંયુકત સાહસ છે.
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે અમને લેખિતમાં કોઇ ફરિયાદ મળી નથી અને પર્યાવરણ સબંધિત કોઇ મુદ્દા સુનાવણી દરમિયાન કોઇએ ઉઠાવ્યા નથી. અમારી પાસે જમીન વિષયક કેટલાક મુદ્દા હતા કે જે ખેડૂતોએ ઉભા પાકને નુકસાન, જમીન સમતળ કરવી તેમજ જમીન વળતર સંદર્ભેના હતા. જાહેર સુનાવણી એ આ યોજનાનો પર્યાવરણ મંજૂરી આપવા પહેલાનો તબક્કો છે. આ પાઇપલાઇન ગુજરાતમાં કચ્છ, પાટણ અને બનાસકાંઠા તેમજ રાજસ્થાનના જાલોર અને બાડમેર જિલ્લામાંથી પસાર થવાની છે. આ પાઇપલાઇનની લંબાઇ 487 કિલોમીટર છે જે પૈકી ગુજરાતનો હિસ્સો 340 કિલોમીટરનો છે.
આ યોજનામાં ઘુડખર અભ્યારણ્યની 11 હેકટર જમીન પ્રભાવિત થાય છે. એ ઉપરાંત અન્ય 9 હેકટર જમીન ફોરેસ્ટમાં આવે છે. આ પાઇપલાઇન જમીનની નીચે 1.5 મીટર ઉંડી હશે જેથી નિર્માણ થયા પછી જે તે જમીન તેના મૂળ માલિકને પાછી આપી દેવામાં આવશે. જો કે ડિસ્પેચ અને રિસીવિંગ ટર્મિનલ, ઇન્ટરમિડિયેટ પમ્પિંગ સ્ટેશન તેમજ એસવી (સેકશનલાઇજીગં વાલ્વ) સ્ટેશનના નિર્માણ માટે કેટલીક જમીનની આવશ્યકતા રહેશે