
સુરતઃ ઉનાળાના વેકેશનને લીધે ઉભરાટ અને દાંડીના સમુદ્રના બીચ પર પર્યટકો ફરવા માટે આવી રહ્યા છે. હાલ બંગાળના સમુદ્રમાં ચક્રવાત અને દક્ષિણ ભારતમાં વાજતે-ગાજતે મેઘરાજાનું આગમન થતાં તેની અસર ગુજરાત પર પણ પડી રહી છે, બીજીબાજુ દરિયો તોફાની બની રહ્યો છે. દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ત્યારે દાંડી અને ઉભરાટનો બીચ પર્યટકો માટે 5 દિવસ બંધ કરી દેવામાં આવ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં પર્યટકો અને સહેલીઓ માટે દરિયા કિનારો ફરવા ફરવાનું ઉત્તમ સ્થળ માનવામાં આવે છે. નવસારી જિલ્લામાં પણ ઉભરાટ અને દાંડીનો દરિયા કિનારો પ્રવાસીઓથી વેકેશનમાં ઉભરાતો હોય છે, ત્યારે હાલમાં નવસારી જિલ્લામાં થોડા સમયથી ભારે પવન ફુંકાતા હવામાન વિભાગે કરેલી આગાહીને પગલે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક જાહેરનામું બહાર પાડીને પાંચ દિવસ માટે તમામ બીચ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. બીચના રસ્તાઓ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પર્યટકોને અધવચ્ચેથી પાછા વાળવામાં આવી રહ્યા છે. પર્યટકો વિનાનો દાંડીનો બીચ ભેંકાર બની ગયો છે. જોકે વહીવટી તંત્રના નિર્ણયથી સ્થાનિક વેપારીઓને થોડી આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. પરંતુ સહેલાણીઓના જીવનને જોખમ ઊભું થતા વહીવટી તંત્રએ સાવચેતી પૂર્વક નિર્ણય લીધો છે.
ઉનાળાના વેકેશનને લીધે પર્યટકો મોટી સંખ્યામાં દાંડી તેમજ ઉભરાટ બીચ ઉપર આવતા હોય છે. પરિવાર સાથે દૂર દૂરથી આવતા પર્યટકો બીચ પર નાહવાનો લાહવો પણ લેતા હોય છે. ત્યારે પાંચ દિવસ માટે સહેલાણીઓ દરિયા કિનારા ઉપર નહીં જ શકે તેવું એક જાહેરનામું નવસારી જિલ્લા નિવાસી અધિક કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જેને પગલે બંને બીચ પર્યટકો માટે બંધ કરી દેવાયા છે.
દાંડીના ગ્રામજનોના કહેવા મુજબ હાલમાં દાંડીના દરિયા કિનારે ભારે પવન ફુંકાય રહ્યો છે જેથી વહીવટી તંત્રએ જાહેરનામું બહાર પાડીને ખૂબ સારા પગલા લીધા છે, ભરતી કે ઓટના પાણીનો સમય સહેલાણીઓને ખ્યાલ રહેતો નથી તેથી તેઓ ઊંડા દરિયામાં મોજ કરવા જાય છે જેને કારણે અકસ્માતનો ખતરો રહેતો હોય છે જેથી પાંચ દિવસ માટે જે વહીવટી તંત્રએ બીચ બંધ રાખવાનો નિર્ણય લીધો છે તે યોગ્ય છે.