
દેવ ઊઠી અગિયારસ પહેલા જ ગિરનાર પ્રરિક્રમાના દ્વાર ખોલી દેવાતા 50 હજાર યાત્રિકોએ કર્યો પ્રારંભ
જૂનાગઢ: ગરવા ગિરનારની પરિક્રમાનું વિશેષ મહાત્મ્ય છે. દેવ ઊઠી અગિયારસથી ગિરનારથી પરિક્રમાનો પ્રારંભ થાય છે. પણ આ વખતે પરિક્રમાની યાત્રાના પ્રારંભ પહેલા જ ઘણાબધા યાત્રિકો પ્રવેશ દ્વાર સુધી આવી જતાં વિધિવત પરિક્રમાનો પ્રારંભ થાય તેના એક દિવસ પહેલા જ પ્રવેશ દ્વાર યાત્રિકો માટે ખોલી દેવામાં આવતા 50 હજારથી વધુ પદયાત્રિઓએ જય ગિરનારીના નાદ સાથે યાત્રાનો પ્રારંભ કર્યો હતો.
જુનાગઢ તળેટીના ભવનાથમાં બુધવારે વિધિવત સમય પહેલા જય ગિરનારીના નાદ સાથે લીલી પરિક્રમાનો પ્રવેશ દ્વાર વહેલી સવારે ખોલી નાખવામાં આવ્યો હતો. ભાવિકોની ભીડને જોઈને તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. દેવ ઊઠી અગિયારસના દિવસથી વિધિવત્ રીતે ગિરનારની પરિક્રમાનો પ્રારંભ થાય છે, પરંતુ ભાવિકો વહેલા આવી જતા તેમજ ભાવિકોનો ધસારો ખૂબ વધી જતાં તંત્ર દ્વારા એક દિવસ પહેલાં જ પરિક્રમાનો ગેટ ખોલવામાં આવ્યો છે. જેને પગલે ભાવિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરિક્રમામાં આવતા શ્રદ્ધાળુઓ જંગલને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડે અને પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ ન કરે તેવી પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
લીલી પરિક્રમાના મુખ્ય પ્રવેશ બુધવારે વહેલી સવારે પ્રવેશ દ્વાર ખોલવાના તંત્રના નિર્ણયથી ભાવિકોએ પરિક્રમા માર્ગે પ્રસ્થાન શરુ કરી દીધું હતું. નાના મોટા હર કોઈ પરિક્રમા કરી પુણ્યનું ભાથું મેળવવા ઉત્સાહિત જણાયા હતા. 36 કિલોમીટરની આ લીલી પરિક્રમામાં દેશના ખુણે ખૂણેથી ભાવિકો ઉમટી પડ્યા હતા. બુધવારે વહેલી સવારે વનવિભાગ દ્વારા ઈટવા ગેટ ખોલવામાં આવ્યો હતો. જેમાં 50 હજારથી વધુ ભાવિકોએ પરિક્રમા રૂટ પર એન્ટ્રી લીધી છે. પરિક્રમાર્થીઓને વહેલી પરિક્રમાની પરવાનગી આપવામાં આવતા ભાવિકોએ તંત્રનો આભાર માન્યો હતો.
વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, પરિક્રમામાં આવનાર યાત્રાળુઓ સફાઈ અને સ્વચ્છતા અંગે જાગૃત થાય માટે પ્લાસ્ટિકના 400 જેટલાં ડસ્ટબીન લગાવવામાં આવ્યાં છે. વસુંધરા નેચર ક્લબ દર વર્ષે ગિરનાર પરિક્રમા બાદ પરિક્રમાર્થી દ્વારા થયેલો પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરે છે, અને સ્વયંસેવકો તરીકે ડોક્ટર એન્જિનિયર, પ્રોફેસર, શિક્ષક જેવા અલગ અલગ પ્રોફેશનલ લોકો સેવા આપે છે. ગયા વર્ષે વસુંધરા નેચર ક્લબ દ્વારા મેન્યુઅલી આ કામ કરીને 4.5 ટન પ્લાસ્ટિક એકત્ર કર્યું હતું.