
સુપ્રીમ કોર્ટે નવા આદેશો સુધી ત્રણેય કૃષિ કાયદાઓ પર રોક લગાવી- ચાર સભ્યોની કમિટીની રચના કરી
- સુપ્રીમ કોર્ટ કૃષિ કાયદાઓ પર રોક લગાવી
- નવા આદેશો સુધી રોક યથાવત રહેશે
દિલ્હીઃ- છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા ત્યારે આજ રોજ સુપ્રીમ કોર્ટના વચગાળાના નિર્ણયથી કેન્દ્ર સરકારને મોટો ફટકો પડ્યો છે. કોર્ટે તેના ચુકાદામાં ત્રણેય કૃષિ કાયદાના અમલ પર રોક લગાવી છે અને ચાર સભ્યોની સમિતિની રચના પણ કરી છે. ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેની અધ્યક્ષતાવાળી બેંચે આ અંગેના ચુકાદો આપ્યો છે.
આ પહેલા પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરુ થવાની સાથે કહ્યું હતું કે,અમે ખેડૂતોનું રક્ષણ કરીશું, જ્યા સુધી ચુકાદો ન આવે ત્યાં સુધી કોઇ કૃષિ કાયદા હેઠળ જમીન લઇ શકશે નહી. આ અંગે કાયદાની માન્યતા તપાસ કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટની સમિતિમાં બીકેયુના પ્રમુખ જીતેન્દ્રસિંહ માન પ્રમોદકુમાર જોશી, આંતરરાષ્ટ્રીય નીતિના વડા ડો અશોક ગુલાટી, કૃષિ અર્થશાસ્ત્રી અનિલ ધનવત, શિવકેરી સંસ્થા, મહારાષ્ટ્ર આ ચાર સભ્યોનો સમાવેશ થાય છે.
સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ પણ ખેડૂતો નિરાશ – માંગ કાયદાને રદ કરવાની
બીજી તરફ ભારતીય કિસાન સંઘના રાકેશ ટીકેચે કહ્યું કે માનનીય સુપ્રીમ કોર્ટે ખેડૂતો પ્રત્યે જે સકારાત્મક વલણ બદલ દાખવ્યું તે બદલ ખેડૂતો તરફથી આભાર વ્યક્ત કરું છું. ખેડુતોની માંગ છે કે કાયદો રદ કરો અને લઘુતમ ટેકાના ભાવને કાયદો બનાવો. આ માંગ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે. માનનીય સુપ્રીમ કોર્ટના આદેશની તપાસ કર્યા બાદ સંયૂક્ત મોરચો આવતીકાલે આગળની રણનીતિ જાહેર કરશે.
કોર્ટની સુનાવણી દરમિયાન થયેલી વાતો
એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે કહ્યું કે સરકાર સમિતિની રચનાનું સ્વાગત કરે છે. ભારતીય ખેડૂત સંગઠને સમિતિની રચનાને પણ સમર્થન આપ્યું છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસની અરજી પર નોટિસ પણ ફટકારી છે, જેણે પ્રજાસત્તાક દિન પર ખેડુતોની ટ્રેક્ટર રેલી અટકાવવા માંગ કરી હતી.
સરકારી વકીલ કે.કે. વેણુગોપાલે વધુમાં જણાવ્યું હતું કે, કેટલાક પ્રતિબંધિત સંગઠનો પણ આ પ્રદર્શનમાં સામેલ હતા, કોર્ટે કહ્યું હતું કે શું એટર્ની જનરલ તેની પુષ્ટિ કરે છે, કોર્ટે કહ્યું કે આવતીકાલ સુધીમાં તેના પર સોગંદનામું દાખલ કરવામાં આવે તે જરુરી છે.બીજી તરફ એટર્ની જનરલે કહ્યું કે અમે આ એફિડેવિટ દાખલ કરીશું.
- સાહિન-