મુંબઈમાં ભારે વરસાદઃ રેલવે ટ્રેક ઉપર ભરાયાં પાણી, જનજીવનનને અસર
મુંબઇ: દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં મેઘરાજા મનમુકીને સવારથી વરસી રહ્યાં છે. જેથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે. વરસાદને કારણે મુંબઈનું જીવન મનાતી લોકલ ટ્રેન સેવાને પણ અસર થઈ છે. ભારે વરસાદને કારણે ઉમ્બરેમાલી રેલવે સ્ટેશન તથા કંસારા વચ્ચે મુંબઇ લોકલ ટ્રેન સેવા રોકવી પડી હતી. ટ્રેનનાં પાટા પર પાણી ભરાવાને પગલે ઇગતપુરી અને ખારદી વચ્ચેનો રૂટ પણ અસ્થાયી રૂપે બંધ કરાયો હતો.
રેલવે પ્રવકતાએ જણાવ્યું કે, થાણે જિલ્લામાં ઉમ્બરેમાલી અને કસારા સ્ટેશન વચ્ચે પાણી ભરાઇ જવાથી રાત્રે સવા દસ વાગ્યાથી બંને સ્ટેશન વચ્ચેની રેલવે સેવા સ્થગિત કરવી પડી હતી. મઘ્ય રેલવેનાં મુખ્ય પ્રવકતાએ કહ્યું કે પૂણે-દરબંગા સ્પેશ્યિલ અને સીએસએમટી-વારાણસી સ્પેશ્યલ જેવી લાંબા રૂટની ટ્રેનનો પણ સમય બદલવો પડયો હતો. હાલ મુંબઇમાં રેડ એલર્ટ જાહેર કરાયુ છે. તો આઇએમડીએ રાજયનાં પૂર્વ વિસ્તારમાં ભંડારા, ચંદ્રપુર, યવતમાલ સહિતનાં ક્ષેત્રનાં સભ્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. ઠાણાના ભિવંડીમાં ભારે વરસાદને પગલે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયુ છે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

