1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં મ્યુનિની હોસ્પિટલોમાં ત્રીજા બાળકનો જન્મ થશે તો ફ્રી ડિલિવરી નહીં પણ ચાર્જ ચુકવવા પડશે

અમદાવાદમાં મ્યુનિની હોસ્પિટલોમાં ત્રીજા બાળકનો જન્મ થશે તો ફ્રી ડિલિવરી નહીં પણ ચાર્જ ચુકવવા પડશે

0
Social Share

અમદાવાદઃ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને વસતિ નિયંત્રણોના જૂના ઠરાવો હવે નવેસરથી કરી લાગુ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો અને પ્રસૂતિગૃહોમાં બે બાળકો સુધી જ મફતમાં ડિલિવરી કરાવી આપવામાં આવશે. જો મહિલાને ત્રીજું બાળક થશે તો તેનો ચાર્જ લેવામાં આવશે. આ નિયમ લાગુ કરવા અંગે હાલ ચર્ચાવિચારણા ચાલી રહી છે. ટૂંક સમયમાં આ નિયમ લાગુ કરી દેવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોએ  જણાવ્યું હતું કે વર્ષ 1987માં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલ માટે એક ઠરાવ કરવામાં આવ્યો હતો કે બે બાળક સુધી સરકાર ખર્ચ ઉપાડશે અને બાદમાં નસબંધી કરાવે તો તેનો ખર્ચ પણ આપશે. આ જ ઠરાવને કોર્પોરેશન સંચાલિત તમામ હોસ્પિટલો અને પ્રસૂતિગૃહોમાં આ લાગુ કરવા આગામી દિવસોમાં ફરીથી સ્ટેન્ડિંગ કમિટીમાં લાવવામાં આવશે બાદમાં મંજૂર કરી નિયમ લાગુ કરવામાં આવશે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશની જેમ વસતિ નિયંત્રણના કાયદામાં નવા નિયમને લાગુ કરવા તરફ રાજય સરકાર વિચારણા કરી રહી છે. રાજયમાં વસતિ નિયંત્રણ નીતિ લાગુ કરવા માટે પહેલા પ્રયોગ માટે રાજયના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર અમદાવાદમાં હવે કોર્પોરેશનને જુના ઠરાવમાં બદલાવ કરી નવા નિયમો લાગુ કરવા જઈ રહી છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો એવી શારદાબેન, એલજી, વીએસ અને પ્રસૂતિગૃહોમાં હવે બે બાળકો સુધી જ મફતમાં ડિલિવરી કરવામાં આવશે. જે મહિલા બે બાળકોને જન્મ આપી ચૂકી હશે અને જો ત્રીજુ બાળક થાય તો તેની ડિલિવરી કરવા કોર્પોરેશનની સરકારી હોસ્પિટલો  કે પ્રસૂતિગૃહોમાં જશે તો તેને ડિલિવરીનો ચાર્જ લેવામાં આવશે. આ ઠરાવ માત્ર વીએસ હોસ્પિટલ માટે જ હતો પરંતુ હવે કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો અને પ્રસૂતિગૃહોમાં લાગુ કરવા મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અને ભાજપની ચૂંટાયેલી પાંખ અને હોસ્પિટલ કમિટિના ચેરમેન વચ્ચે બેઠક યોજાઇ હતી. અધિકારીઓ અને નેતાઓ વચ્ચે બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઠરાવ તૈયાર કરી અને સ્ટેન્ડિંગ કમિટીમાં મુકવામાં આવશે તે બાદ આ નિયમ લાગુ થઈ જશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code