1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળમાં આહીર સમાજને સ્થાન ન અપાતા નારાજગી
ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળમાં આહીર સમાજને સ્થાન ન અપાતા નારાજગી

ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળમાં આહીર સમાજને સ્થાન ન અપાતા નારાજગી

0
Social Share

ગાંધીનગરઃ સત્તાની વહેચણીમાં દરેકને સંતો, આપી શકાતો નથી. દરેક સમાજ અને દરેક જ્ઞાતિ પોતાને પ્રતિનિધિત્વ મળે એવું ઈચ્છતા હોય છે. ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રી મંડળની શપથવિદિ યોજાઈ ગઈ. જેમાં અગાઉના વિજય રૂપાણી સરકારના તમામ મંત્રીઓને પડતા મુકીને નવાને સ્થાન આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની રચના માટે મોવડીમંડળે નો-રિપિટ થિયરી લાગુ કરી તેનું સૌથી વધુ નુકસાન આહિર સમાજને થયું છે. વિજય રૂપાણીના મંત્રીમંડળમાં આહીર સમાજના બે નેતા વાસણ આહિર અને જવાહર ચાવડા સામેલ હતા. એ બંન્ને કપાઈ ગયા છે. જ્યારે એ બે સિવાય ભાજપમાં બીજા કોઈ આહિર ધારાસભ્ય ન હોવાથી નવા મંત્રીમંડળમાં આ પ્રભાવશાળી સમાજની સદંતર બાદબાકી થઈ ગઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આહીર સમાજની ગુજરાતમાં આશરે 50-55 લાખની વસ્તી હોવાનું કહેવાય છે. જે પૈકી 20-22 લાખ મતદારો હોઈ શકે છે. પરંપરાગત રીતે જામનગર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, પોરબંદર, અમરેલી (રાજુલા પંથક) એમ 5 જિલ્લાની 12 થી 14 વિધાનસભા બેઠકો એવી છે જ્યાં આહીર મતદારો નિર્ણાયક બને છે. હાલમાં વિધાનસભામાં કુલ પાંચ આહીર સમાજના ધારાસભ્યો છે જે પૈકી કોંગ્રેસના ૩ અને ભાજપના 2 છે. વાસણ આહિર અને કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડા બંને ગત પ્રધાનમંડળમાં મોખરાના સ્થાને હતા, જે બંને નો-રિપિટ થિયરીમાં કપાઈ ગયા છે.  શૈક્ષણિક અને આર્થિક રીતે સતત પ્રગતિ કરી રહેલા આહિર સમુદાય છેલ્લાં દોઢ દાયકાથી રાજકીય રીતે પણ મહત્વાકાંક્ષી બની રહ્યો છે. એ જોતાં નવા મંત્રીમંડળમાં આહિર સમુદાયની સદંતર બાદબાકી થવાના ઘેરા પ્રત્યાઘાતો અપેક્ષિત છે. કોંગ્રેસના આહીર ધારાસભ્યો પણ આ નારાજગીને વેગ આપી શકે છે. ભાજપના સાંસદ પૂનમ માડમને બાદ કરતાં આહિરોની નારાજગી ખાળી શકે એવા કોઈ મોટા ગજાના નેતા નથી. એ સંજોગોમાં આવનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ જો આ પલડું સંતુલિત નહિ કરે તો તે પડકારજનક બની શકે છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code