
રાજકોટ : સૌરાષ્ટ્રમાં સોરઠ પંથકમાં શેરડીનું ઉત્પાદન સારૂએવુ થયુ હોવાથી ગોળની નવી સીઝન શરૂ થતાં રાબડાં ધમધમવા લાગ્યા છે. ગોળ બનાવવા વપરાતા કેમિકલ, પેકિંગ, મજૂરી વિગેરે ખર્ચ ઉંચકાઈ જતાં ગોળના ભાવમાં આ વર્ષે રૂ. 100નો સુધારો થઈ ગયો છે. નવી સીઝનમાં પણ ભાવો સારાં રહે તેવી શક્યતા છે. જોકે ગોળ ગયા વર્ષ કરતા ઓછો બને તેવું સૂત્રો જણાવી રહ્યા છે. દર વર્ષે ઉના, તાલાલા કોડીનાર વિસ્તારમાં 250-300 જેટલા ગોળના રાબડાં ધમધમતા હોય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગત વર્ષે સૌરાષ્ટ્રમાં રૂ. 2800-3200માં પ્રતિ ટન વેચાયેલી શેરડીના આ વર્ષે રૂ. 2000-2200 મળી રહ્યાં છે. ખેડૂતોને યોગ્ય ભાવ મળતો ન હોવાથી કચવાટ છે. પરપ્રાંતિય રાજયોની શેરડી સૌરાષ્ટ્રના બજારોમાં નીચા ભાવે વેચાતી હોવાથી સ્થાનિક બજારની શેરડીના ભાવ વધુ મળતા નથી. ગયા વર્ષમાં સૌરાષ્ટ્રમાં 25 લાખ ડબાનું ઉત્પાદન થયું હતુ. એમાંથી 50 હજાર ડબાનો સ્ટોક કોલ્ડસ્ટોરેજમાં હોવાની ધારણા છે. હવે નવી સીઝનનો ધીમેધીમે પ્રારંભ થઈ ગયો છે, ગોળ બનવા લાગ્યો છે પણ બજારમાં પંદરેક દિવસ પછી નવો ગોળ આવશે. ખેડૂતોને શેરડીના પોષણક્ષમ ભાવ મળે તે માટે સૌરાષ્ટ્રના ઉના, તાલાલા અને કોડીનાર વિસ્તારમાં સુગર મિલો શરૂ કરવા અથવા બંધ પડેલી મિલો ચાલુ કરવા સરકાર વિચારે તેવી ખેડૂતોની માગ છે. ગોળમાં સારા માલના રૂ. 720માં વેપાર થાય છે. મધ્યમ ગોળના રૂ. 690-710 બોલાય છે. જયારે રનિંગ ગોળ રૂ. 640-640માં વેચાય છે.
સોરઠ પંથકના તલાળા, કોડિનાર વગેરે વિસ્તારોમાં શેરડીનો પાક સારો થાય છે. પણ ખેડુતોને પોષણક્ષમ ભાવ પણ મળતા નથી. એક સમયે કોડિનાર વિસ્તારમાં સુગર મિલો ધમધમતી હતી. જે બંધ પડતા ખેડુતોને હવે ગોળ બનાવવા માટે શેરડી વેચવી પડે છે પણ પુરતા ભાવ મળતા નથી.