ચોમાસું બેસી ગયું છતાં અમદાવાદના ઉત્તર-મધ્ય ઝોનમાં હજુ રોડ બનાવવાના કામો પૂર્ણ થયા નથી
અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાનું આગમન થઈ ગયું છે. ત્યારે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હજુ પણ રોડ બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી. મ્યુનિ,કોર્પોરેશનના રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેને એવો દાવો કર્યો હતો કે, શહેરમાં મોન્સુન કામગીરી અંતર્ગત 90 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. પરંતુ હજુ ઉત્તર અને મધ્ય ઝોનમાં 10 ટકા રોડ બનાવવાના કામો પૂર્ણ થયા નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ ચોમાસાની સિઝન શરૂ થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં જ્યાં પણ રોડ ખોદાણ અને રોડ બનાવવાની કામગીરી હોય છે, તે બંધ કરી દેવામાં આવે છે. પ્રિ મોન્સૂનની કામગીરી અંતર્ગત ચોમાસા પહેલા રોડ બની જવા જોઈએ. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર દ્વારા હજી સુધી રોડ બનાવવાની કામગીરી પૂર્ણ થઇ નથી. દરમિયાન રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, મોન્સૂન કામગીરી અંતર્ગત 90 ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે, પરંતુ શહેરમાં અનેક જગ્યાએ એવા રોડ છે. જ્યાં રોડ બનાવવાની જરૂર અને કામ મંજૂર થઈ ગયું છે, પરંતુ હજી સુધી ત્યાં રોડની કામગીરી થઈ નથી. વર્ષ દરમિયાન જે પણ રોડ બનાવવાના હોય તેમાં મોટાભાગના રોડ બનાવવાના બાકી છે.
મ્યુનિના રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેને વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં જ્યાં વર્ષ દરમિયાન રોડ બનાવવાની કામગીરી હતી. તેમાં પશ્ચિમ ઝોનમાં અને દક્ષિણ ઝોનમાં જેટલા પણ રોડ બનાવવાના હતા, તેની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. પશ્ચિમ ઝોનમાં આવતા સાબરમતી, ચાંદખેડા, પાલડી, વાસણા, રાણીપ સહિતના વિસ્તારમાં 36 જેટલા રોડ બનાવવાના હતા, તે તમામ રોડ બની ચૂક્યા છે. જયારે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવતા જોધપુર, સરખેજ, વેજલપુર અને મકતમપુરા વિસ્તારમાં 34 જેટલા રોડ બનાવવાના હતા જે બની ચૂક્યા છે. ઉત્તર ઝોનમાં કુલ 56 જેટલા રોડ બનાવવાના હતા. જેમાં 35 રોડ બની ચૂક્યા છે. જેમાં 6 રોડ બનાવવાનું કામ ચાલુ છે. મધ્ય ઝોનમાં 22 જેટલા રોડ બનાવવાના હતા, જેમાં બે રોડ વધતા કુલ 24 રોડ બનાવવામાં આવ્યા છે. પૂર્વ ઝોનમાં 22 રોડ બનાવવાના હતા. જેમાં વધુ બે રોડ ઉમેરાતા કુલ 24 રોડની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે. દક્ષિણ ઝોનમાં 132 રોડ બનાવવાના હતા. જેમાં માત્ર 31 રોડ જ બન્યા છે. જ્યારે ઉત્તર પશ્ચિમમાં 27માંથી 11 જેટલા રોડ બન્યા છે. મોટાભાગના રોડ બનાવવાના બાકી છે. રોડ પ્રોજેક્ટના પણ માત્ર 27 રોડ જ પૂર્ણ થઈ શક્યા છે.