
ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો પૈકી જિલ્લા ફેર બદલી માટે 77,953 જેટલી અરજીઓ પેન્ડીંગ છે. આ મુદ્દો કોર્ટમાં હિયરિંગ ઉપર અંતિમ તબક્કામાં છે અને તેના ચુકાદા બાદ જિલ્લા બદલી અંગેની કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવશે. જિલ્લા ફેર બદલીની અરજીઓ ઉપર નિર્ણય લેવાઈ ગયા બાદ રાજ્યમાં ખાલી રહેતી કુલ 5,360 જગ્યાઓ પૈકી 2600 જગ્યાઓ ઉપર તાત્કાલિક અસરથી ભરતી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. બાકી રહેલી જગ્યાઓ ઉપર સપ્ટેમ્બર માસના અંત સુધીમાં ટેટ પરીક્ષા માટે પ્રક્રિયા હાથ ધરી દેવાનો શિક્ષણ વિભાગનો સંપૂર્ણ પ્રયત્ન છે. તેમ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ વિદ્યા સહાયક ભરતી અને ટેટ પરીક્ષા અંગે માહિતી આપતા જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું,, રાજ્યમાં ટેટ-1ની પરીક્ષા છેલ્લે વર્ષ-2018માં અને ટેટ-2ની પરીક્ષા ઓગષ્ટ-2017માં લેવામાં આવી હતી. ત્યાર બાદ અલગ અલગ ભરતીમાં કુલ 9,488 જેટલા ઉમેદવારોને નિમણુંક આપવામાં આવી છે. છેલ્લા 4 થી 5 વર્ષમાં ટેટની પરીક્ષા લેવાઈ ન હોવાથી ઉમેદવારોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. ઉમેદવારોને અરજી કરવા માટે પુરતો સમય મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવશે અને પરીક્ષાની તૈયારી માટે પણ પુરતો સમય આપવામાં આવશે તે મુજબનું રાજય પરીક્ષા બોર્ડ ધ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
તેમણે HMAT અંગે વિગતો આપતા જણાવ્યું કે, ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં આચાર્ય થવા માટેની પરીક્ષા છેલ્લે તા. 08-10-2017 ના રોજ લેવામાં આવી હતી તેમાં 8906 શિક્ષકોએ પરીક્ષા આપી હતી. 5928 શિક્ષકો પાસ થયા હતા તે પૈકી 1287 આચાર્યની ભરતી થઈ છે. આ વર્ષે આ પરીક્ષા માટે 7815 શિક્ષકોએ અરજી કરી છે. રાજય પરીક્ષા બોર્ડ દ્વારા ભરતી સંબંધિત પરીક્ષાઓમાં અરજી કરનારા તમામ ઉમેદવારોને પરીક્ષામાં બેસવાની તક આપવામાં આવી છે. ઉમેદવારોની પાત્રતાની ચકાસણી નિમણૂક કરનાર ભરતી સમિતિના કાર્યક્ષેત્રમાં આવે છે. જેથી ભરતી સમિતિની ભરતી પ્રકિયા વખતે થનાર નિર્ણયને આધિન રહી ફોર્મ ભરેલ અને વેરિફિકેશન હાજર-ગેરહાજર તમામને તે યોગ્યતા ધરાવે છે તે શરતે શરતી HMATની પરીક્ષામાં બેસવા દેવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે.