
જાણો રાજકોટના આજી-1 ડેમનો ઈતિહાસ
રાજકોટ:રાજકોટ શહેરમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું.જેને પગલે શહેરને પીવાનું પાણી પૂરું પાડતો આજી-1 ડેમ ઓવરફ્લો થયો છે. શહેરના થોરાળામાં સન 1954 માં બનેલો આ આજી-1 ડેમ 18 મી વખત છલોછલ થયો છે. હાલ ડેમમાં 36 ક્યુસેકના પ્રવાહની આવક છે.જયારે 36 ક્યુસેકનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે.જળાશયની ભરપૂર સપાટી 147.52 મીટર છે અને જળાશય હાલ પૂરેપૂરું ભરાઈ ગયું છે.
હાલ ડેમમાં ૦.૦416 ફૂટ ઓવરફ્લો શરૂ છે. જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.શહેરના બેડી, થોરાળા, રાજકોટ, મનહરપુર અને રોણકી ગામના લોકોને નદીના પટમાં અવર જવર નહીં કરવા અને સાવચેત રહેવાની સૂચના રાજકોટ પૂર નિયંત્રણ વિભાગ દ્વારા જણાવાયું છે.
રાજકોટ સિંચાઈ યોજના અંતર્ગતનો આ ડેમ 1954 માં બન્યા પછી સૌથી પહેલાં 1976 માં, એટલે કે 22 વર્ષે છલકાયો હતો.એ પછી સન 1977,1978, 1979 અને 1980 માં છલોછલ ભરાયો હતો. જ્યારે 1980 થી 1990 ના દાયકા વચ્ચે માત્ર 1983 અને 1988 – એમ બે વાર જ સંપૂર્ણ ભરાયો હતો.એ પછીના ૧૫ વર્ષ સુધી આ ડેમ આખો ભરાયો નહતો. ત્યાર બાદ વર્ષ 2003, 2007, 2008 અને 2010 માં ડેમ છલકાયો હતો.એ પછી વર્ષ 2011, 2013, 2017, 2019 અને 2020 માં આ ડેમ સંપૂર્ણ છલકાયો હતો. ગત વર્ષે પણ ડેમ ઓવરફ્લો થયા બાદ આ વર્ષે પણ સારા વરસાદથી ડેમ છલકાઈ ઊઠ્યો છે.
આ યોજનાના પાણીનો ઉપયોગ પીવાના હેતુ માટે થાય છે. જળાશયમાંથી રાજકોટ મહનગર પાલિકાને પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે.