
ભારત સામેની મેચ માટે પાકિસ્તાનની ટીમ અમદાવાદ પહોંચી, વીડિયો સામે આવ્યો
અમદાવાદઃ ભારતમાં ક્રિકેટનો મહાકુંભ મનાતો આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ રમાઈ રહ્યો છે. તા. 14મી ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ રમાશે. આ મેચને લઈને બીસીસીઆઈ અને જીસીએ દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે. દુનિયાના સૌથી મોટા ગણાતા આ સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાનની મેચ જોવા માટે એક લાખથી વધારે દર્શકો આવે તેવી શકયતા છે. જેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. દરમિયાન આજે પાકિસ્તાનની ટીમ અમદાવાદ આવી પહોંચી હતી. પાકિસ્તાની ટીમના આગમનનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વીડિયો પણ વાયરલ થયો છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત-પાકિસ્તાનની મેચને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. ખાલિસ્તાની આતંકવાદી પૂન્નુની ધમકીને પગલે બંદોબસ્ત વધારે ચુસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરમિયાન રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. તેમજ પોલીસ બંદોબસ્તની સમીક્ષા પણ કરી હતી.
આઈસીસી વર્લ્ડકપની પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ રમાઈ હતી. ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી આ મેચને નિહાળવા માટે મોટી સંખ્યામાં દર્શકો ઉમટી પડ્યાં હતા. બીજી તરફ ભારતે પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને પરાજ્ય આપ્યો હતો. જ્યારે આજે બીજી મેચ અફઘાનિસ્તાન સામે રમાઈ રહી છે. જ્યારે પાકિસ્તાને પ્રથમ મેચમાં નેધરલેન્ડ અને બીજી મેચમાં શ્રીલંકાને પરાજય આપ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તા. 14મી ઓક્ટોબરના રોજ મેચ રમાશે.