ગાંધીનગર નજીક દહેગામમાં માનવ વસાહતમાં દીપડાની એન્ટ્રી, છ વ્યક્તિઓ ઉપર કર્યો હુમલો
- દહેગામના કડજોદરા ગામમાં દીપડો નજરે પડ્યો
- સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો
- ખેડૂતો દિવસે પણ ખેતરે જતા ડરી રહ્યાં છે
- વનવિભાગ દ્વારા પાંજરુ મુકાયું
- સાબરકાંઠાના મોઢુકા ગામમાં એક દીપડો પાંજરે પુરાયો
અમદાવાદઃ ગુજરાતની રાજધાની ગાંધીનગર નજીક આવેલા દહેગામ તાલુકાના કડજોદરા ગામમાં દીપડાએ દેખા દીધી હતી. એટલું જ નહીં દીપડાએ એક-બે નહીં પરંતુ છ વ્યક્તિઓ ઉપર હુમલો કરતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે. કડજોદરા ગામમાં દીપડાએ હુમલો કર્યાની જાણ થતા વનવિભાગની ટીમ તાત્કાલિક દોડી ગઈ હતી અને તેને પકડવા માટે પાંજરા મુક્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દહેગામ તાલુકાના કડજોદરા ગામમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાના આંડાફેરા વધ્યાં છે. દરમિયાન કેટલાક વ્યક્તિઓ ઉપર હુમલો કર્યો હતો. દીપડા સ્થાનિકો ઉપર હુમલો કર્યા બાદ એરંડાના ખેતરોમાં છુપાઈ જતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ દીપડાના આંડાફેરાને પગલે ગ્રામજનોમાં ભય ફેલાયો છે એટલું જ નહીં ખેડૂતો પણ પોતાના ખતર તરફ જતા ડરી રહ્યાં છે. આ અંગે વનવિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી ઉચ્ચ અધિકારીઓ સહિતની વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ દીપડાને પાંજરે પુરવા માટે પાંજરા મુકવામાં આવ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સાબરકાંઠાના મોઢુકા ગામમાં દીપડાને કારણે ભયનો માહોલ ઉભો થયો હતો. વનવિભાગ અને સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ દીપડાને પાંજરે પુર્યો હતો. આ દરમિયાન દીપડાને ઈજા થતા તેને સારવાર અર્થે કામધેનું યુનિવર્સિટી લઈ જવાયો હતો.