ગાંધીનગરઃ નવી દિલ્હીમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની કર્ટેન રેઈઝર ઈવેન્ટ બાદ, ગુજરાત સરકારે મુંબઈ, ચંડીગઢ, કોલકાતા, ચેન્નઈ, લખનૌ, બેંગલુરુ, ગુવાહાટી, જયપુર અને ઈન્દોરમાં 9 નેશનલ રોડ શૉનું આયોજન કર્યું હતું. ગુજરાતના પ્રતિનિધિમંડળે જાપાન, જર્મની, ઈટલી, ડેનમાર્ક, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, વિયેતનામ, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ, યુએઈ અને યુએસએ સહિતના 11 દેશોની પણ મુલાકાત લીધી હતી. શુક્રવારે વાઇબ્રન્ટ ગુજરાત 2024ના પ્રતિનિધિમંડળ દ્વારા રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં હૈદરાબાદમાં સફળતાપૂર્વક રોડ શૉનું આયોજન કર્યું હતું.
ગુજરાત સરકારના રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ હૈદરાબાદમાં સભાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ભારતના જીડીપીમાં ગુજરાતનું યોગદાન 8.3% એટલે કે લગભગ $282 બિલિયન છે. ગુજરાતે 2002-2022 સુધીમાં US$55 બિલિયનનું સંચિત FDI મેળવ્યું છે. 500+ ફોર્ચ્યુન ગ્લોબલ કંપનીઓ સહિત વિશ્વની સૌથી મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓ ગુજરાતમાં છે. ગુજરાતમાં 13 લાખથી વધુ MSME કાર્યરત છે જેમાં સાડા સાત લાખથી વધુ લોકો કામ કરે છે. ગુજરાતે લોજિસ્ટિક્સ અને કનેક્ટિવિટીમાં પણ અભૂતપૂર્વ કામગીરી કરી છે.” તેમણે લોજિસ્ટિક્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિન્યુએબલ એનર્જી અને રાજ્યમાં રહેલી વિપુલ સંભાવનાઓ સહિત વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતની સિદ્ધિઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો.
હૈદરાબાદમાં રોડ શૉ પહેલા, ગુજરાતના મંત્રી જગદીશ વિશ્વકર્માએ વિવિધ સંગઠનોના પ્રમુખો સાથે વન-ટુ-વન બેઠકો યોજી હતી. તેમાં, સાઇએંટ લિમિટેડમાં કોર્પોરેટ ઇનિશિએટિવ્સના અધ્યક્ષ ડૉ. PNSV નિરસિમ્હ; પિનવેસ્ટ ઇંકના સંસ્થાપક અને અધ્યક્ષ ડૉ. (એચ.સી) તુષાર એસ દેવચક્કે; અવંતી ફીડ્સ લિમિટેડના અધ્યક્ષ અને MD અલ્લૂરી ઇંદ્ર કુમાર; મોસચિપ ટેક્નોલોજીસ લિમિટેડના MD અને CEO શ્રીનિવાસ રાવ કાકુમનુ; જેની ફાર્મા પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર ડૉ. રામાવથ આર.નાઈક; રોકવેલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના MD અશોક ગુપ્તા; Ctrl Sdatacentresના વાઇસ પ્રેસિડન્ટ-ગવર્મેન્ટ રિલેશન્સ સુશ્રી સૌમ્યા ટંકાલા; ટી-હબના CEO શ્રીનીવાસ રાવ એમ.: અનંત ટેક્નોલોજીસના ફાઉન્ડર, ચેરમેન અને MD ડૉ. સુબ્બા રાવ; ATGC બાયોટેક પ્રાઇવેટ લિમિટેડના સંસ્થાપક અને CEO વિજય રેડ્ડી, ગ્રીન-કો ગ્રુપના CEO અને MD અનિલ કુમાર ચાલમાલાસેટ્ટી અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના એડિશ્નલ જનરલ મેનેજર સુશ્રી સી. આહિલા હાજર રહ્યા હતાં.
FICCI એક્ઝિક્યુટિવના સભ્ય અને સુધાકર પોલિમર પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર મીલા જયદેવના સ્વાગત પ્રવચન સાથે રોડ શૉની શરૂઆત થઈ. તેમના સંબોધન બાદ, વાઇબ્રન્ટ ગુજરાત 2024 અને ગિફ્ટ સિટી વિશે ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મો દર્શાવવામાં આવી હતી. ગુજરાત સરકારના અધિક ઉદ્યોગ કમિશ્નર ડૉ.કુલદીપ આર્યએ પણ ગુજરાતમાં ઉપલબ્ધ વ્યવસાયની તકો અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું. તેમના પ્રેઝન્ટેશન બાદ, દીપક નાઈટ્રેટ લિમિટેડના પ્રેસિડેન્ટ-બેઝિક ઈન્ટરમીડિયેટસ ગિરીશ સતારકર, એપોલો હોસ્પિટલ્સના ગ્રુપ CMO, ડૉ. નંદિની અલી અને વેલસ્પન ગ્રુપના કોર્પોરેટ અફેર્સના વાઇસ પ્રેસિડન્ટ શ્રીસા ભાર્ગવ મોવ્વાએ ગુજરાતમાં રોકાણ અંગેના તેમના અનુભવો શેર કર્યા હતા.
રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ સભાને સંબોધિત કરી હતી. તેમના સંબોધનમાં તેમણે વાઈબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરીને ગુજરાતની ક્ષમતાને વિશ્વ સમક્ષ લાવવાનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો હતો. તેમણે કહ્યું કે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી એવા વડાપ્રધાને દરેક પડકારને તકમાં ફેરવીને તેમની પ્રતિબદ્ધતા સાબિત કરી છે. તેમણે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રોકાણ આકર્ષવા માટે વાઈબ્રન્ટ ગુજરાત જેવી અદ્ભુત ઈવેન્ટ શરૂ કરી છે.